લોક જનશક્તિ પાર્ટીમાં કાકા-ભત્રીજા વચ્ચે નેતૃત્વની લડાઈ હવે આરપારની બની ગઈ છે. બાગી સાંસદોએ ચિરાગ પાસવાનને પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી પણ હટાવી નાખ્યા હતાં. જેનાં અમુક કલાકોમાં જ ચિરાગજૂથ તરફથી પણ સણસણતો વળતો હુમલો થયો હતો. જેમાં પાંચેય બાગી સાંસદોને પક્ષમાંથી હાંકી કાઢવાનો ફેંસલો જાહેર કરવામાં આવ્યો હતો.
ચિરાગ પાસવાનને એલજેપીનાં રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી હટાવીને બાગીઓએ તેમનાં સ્થાને સૂરજભાનને કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરી નાખ્યા હતાં. હવે સૂરજભાન જ પક્ષનાં નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા સંપન્ન કરાવશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે એક વ્યક્તિ એક પદનાં પક્ષનાં નિયમને આધિન ચિરાગને હટાવી નાખવામાં આવ્યા છે. હવે પાંચ જ દિવસમાં પક્ષની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક બોલાવીને નવા અધ્યક્ષની ચૂંટણી કરી લેવામાં આવશે. આ પહેલા એલજેપીએ ચિરાગને પક્ષનાં સંસદીય દળનાં નેતા પદેથી પણ બરખાસ્ત કરી નાખેલા. એલજેપીનાં છ સાંસદોમાંથી પાંચે લોકસભા સ્પીકરને આનાં માટે અનુરોધ કરેલો અને તેનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો હતો. જેને પગલે ચિરાગનાં સમર્થકોએ પટણામાં એલજેપીનાં કાર્યાલયે ભારે હંગામો મચાવ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ બાગી સાંસદોનાં પોસ્ટરો ઉપર મેશ પણ ચોપડી હતી અને પોલીસે મામલો થાળે પાડવો પડયો હતો.
ચિરાગનાં કાકા પશુપતિ પારસને એલજેપીનાં સંસદીય દળનાં નવા નેતા પસંદ કરી લેવામાં આવેલ. હવે ચિરાગને પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી પણ હાંકી કાઢવામાં આવતાં કાકા-ભત્રીજા વચ્ચે સમાધાનની સંભાવનાઓ લગભગ તૂટી ગઈ છે. હવે 20 જૂને પશુપતિ પારસને જ પક્ષનાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવે તેવું સુનિશ્ચિત માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પશુપતિ દિવંગત નેતા રામવિલાસ પાસવાનનાં નાના ભાઈ છે.
બીજીબાજુ ચિરાગનાં જૂથ તરફથી હજી પણ પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચિરાગને જ દર્શાવવામાં આવી રહ્યા છે. પાંચેય બાગી સાંસદો પશુપતિ, વીણા દેવી, ચૌધરી મહેબૂબ અલી કેસર, ચંદનસિંહ અને પ્રિન્સ રાજની પક્ષમાંથી હકાલપટ્ટી કરતાં લેટરહેડમાં ચિરાગને જ પક્ષનાં પ્રમુખ બતાવવામાં આવેલા હતાં. આ સંજોગોમાં હવે આખો પક્ષ કોના હાથમાં આવે છે જોવું રોચક બની જવાનું છે. હાલનાં સંજોગોમાં તો ચિરાગજૂથ નબળું પુરવાર થઈ રહ્યું છે.
ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની છે તમામ દળો તૈયારીમાં લાગી ગયા છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ, પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ મંગળવારે બહુજન સમાજ પાર્ટીના 9 બાગી ધારાસભ્યોને મળ્યા હતા. બસપામાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્યનો અખિલેશ સપા કાર્યાલય ખાતે મળ્યા હતા. ત્યાર બાદ એવી અટકળો ઉઠી કે બસપાના આ બાગી ધારાસભ્યો સપામાં જોડાઈ શકે છે. પાર્ટી વિરોધી ગતિવિધિના આરોપમાં બસપા પ્રમુખ માયાવતીએ અત્યાર સુધીમાં 11 ધારાસભ્યોને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. બસપા પાસે હવે માત્ર 7 ધારાસભ્ય બાકી રહ્યા છે. અખિલેસ યાદવ યુપી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને ભાજપના મુખ્ય વિપક્ષી દળ તરીકે સ્થાપિત કરી રહ્યા છે. જો બસપાના ધારાસભ્યો સપામાં જોડાઈ ગયા તો આગામી ચૂંટણીમાં તેની અસર જોવા મળશે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં બીજો સૌથી મોટો પક્ષ ઉપસી આવેલા ભાજપ વિશે જાતજાતની અફવા અને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. બંગાળ વિધાનસભામાં વિપક્ષી નેતા સુવેંદુ અધિકારી સોમવારે રાજ્યપાલ જગદીપ ધનખડને મળવા પહોંચ્યા હતાં પણ તેમની સાથે 74માંથી પ0 વિધાયકો જ રાજભવન પહોંચ્યા હતાં. જેને પગલે બાકીનાં 2પ ધારાસભ્યો ક્યાં લાપતા બની ગયા તેવી અટકળો શરૂ થઈ ગઈ હતી. તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ સુદીપ બેનરજીએ પણ ભાજપને ખીજવતા કહ્યું હતું કે, પક્ષપલટા વિરોધી કાયદાનો વિચાર કરતાં પહેલા ભાજપે પોતાનાં 2પ લાપતા વિધાયકોની કાળજી લેવાની જરૂર છે. આ વિધાયકોની હજી સુધી કોઈ ભાળ મળતી ન હોવાનું જાણવા મળતાં અફવાનું બજાર ગરમ થઈ ગયું હતું.
કોંગ્રેસમાં આંતરિક કમઠાણ ખત્મ થવાનું નામ લઇ રહ્યું નથી. રાજસ્થાન અને પંજાબની પરેશાનીઓ હજુ દૂર થઇ નથી. ત્યાં કેરળમાં નારાજગીનો સૂર ઉઠયો છે. કેરળ કોંગ્રેસના એક જૂથે બળાપો કાઢયો છે કે હાઇકમાન્ડ તેની અવગટના કરે છે અને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે.
રાજસ્થાનનો રાજકીય સંગ્રામ ફરીથી જાહેરમાં આવી ગયો છે. સચિન પાયલટ જૂથનાં સમર્થકો છેલ્લા એકાદ સપ્તાહથી મુખ્યમંત્રી વિરોધી અવાજ ઉઠાવી રહ્યા છે. જેની સામે હવે મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ મોરચો ખોલી નાખ્યો છે.
એકસાથે 6-6 રાજયોમાં ધારાસભ્યો-સાંસદોના મોઢામાંથી લાળ ટપકી રહી છે !!
બિહાર-ઉતરપ્રદેશ-બંગાળ-રાજસ્થાન-પંજાબ-કેરળ સર્વત્ર ઉઠાપટકની મૌસમ