રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરવા માટે જામનગરીઓમાં અનેરો ઉત્સાહ સાથે થનગનાટ જોવા મળી રહ્યો છે. જામનગરમાં રંગો, બાળકો થી લઇ મોટેરા માટેની પીચકારીઓ, સ્પ્રે, રંગ સિલિન્ડર સહિતની વસ્તુઓ વેંચાણમાં આવી ચૂકી છે.
હોળી-ધૂળેટીનો તહેવાર નજીક આવી ચૂકયો છે. ત્યારે જામનગર શહેરની બજારોમાં રંગો, પીચકારીઓ સહિતની ચીજવસ્તુઓનું આગમન થઈ ચૂકયું છે. શહેરના દિગ્વીજય પ્લોટ, ખંભાળિયા ગેઇટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક રોડ, રણજીત રોડ, પટેલ કોલોની, લીમડાલાઈન સહિતના વિસ્તારોમાં રંગોની સાથે સાથે બાળકોને પસંદ પડે તેવી વિવિધ વેરાયટીઓની પીચકારીઓ બજારમાં વેંચાઈ રહી છે. રૂા.20 થી રૂા.500 અને તેથી પણ વધુ મોંઘી પીચકારીઓ બજારમાં વેંચાઈ રહી છે. આ વર્ષે ચૂંટણી નજીક છે. ત્યારે 545 ટાઈપ પિચકારીઓમાં ભાજપા અને વડાપ્રધાન મોદીના ફોટાવાળી પિચકારીઓ બજારમાં આવી છે. આ ઉપરાંત બાળકોને પ્રિય અને આકર્ષક એવી સ્પાઇડરમેન, છોટા ભીમ, ડોરેમોન, પોકેમોન, બાર્બીડોલ સહિતની અનેક પ્રકારની વેરાયટીઓ વાળી નાની મોટી પિચકારીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે.
પિચકારીઓની સાથે સાથે અનેક પ્રકારના રંગો પણ બજારમાં આવી ચૂકયા છે. ઓર્ગેનિક કલર, સાદા અબીલ ગુલાલ, સ્પ્રે કલર, કલર ટેબ્લેટ, કલર સ્પ્રે સિલિન્ડર સહિતની અનેકવિધ વસ્તુઓ બજારમાં વેંચાઈ રહી છે.