દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે આજે સવારે ન્યુઝ પેપર વિતરક પિતા-પુત્ર પેપરનું વિતરણ કરવા આવ્યા હતાં તે દરમિયાન શખ્સે પિતા-પુત્રને પતાવી દેવાની ધમકી આપતા ન્યુઝપેપરના એજન્ટોએ કાર્યવાહી કરવાની માંગણી કરી વિતરણ બંધ કરી દેવાની ચિમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં આજે સવારે કિશોરભાઈ લાલ અને તેનો પુત્ર સુમિતભાઈ લાલ બંને રાબેતામુજબ તેમના ન્યુઝપેપરનું વિતરણ કરવા આવ્યા હતાં તે દરમિયાન ભાવેશ જગજીવન મોદી નામના શખ્સે કારમાં આવી પિતા-પુત્રને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ભયભીત થયેલા પિતા-પુત્રએ પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી અને ન્યુઝ પેપરો એજન્ટો દ્વારા ધમકી આપનાર શખ્સ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી અને જો કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો મંગળવારથી સલાયામાં છાપાનું વિતરણ બંધ કરવાની ચિમકી આપી હતી.