વિશ્વના 27 થી વધુ દેશોના પ્રવાસ કરીને ’સેવ સોઈલ’ ની ઝુંબેશ ચલાવનારા સદગુરુ જગ્ગી વાસુદેવ કે જેઓ ગઈકાલે રવિવારે જામનગરના મહેમાન બન્યા હતા, અને દિવસભરના અનેક કાર્યક્રમોમાં હાજરી આપ્યા પછી આજે સવારે તેઓએ પોતાના બાઈક મારફતે રાજકોટ તરફ પ્રયાણ કર્યું હતું, ત્યારે માજી રાજવી અને ઈશા ફાઉન્ડેશન દ્વારા તેઓને ભવ્ય વિદાયમાન અપાયું હતું.
સદગુરુ જગ્ગી વાસુદેવ ગઈકાલે સવારે ઓમાનથી ખાસ વહાણ મારફતે જામનગરના બંદરે આવી પહોંચ્યા પછી તેમના રોડ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા, અને તેઓએ માટીની ફળદ્રુપતા સંબંધે પ્રતાપ વિલાસ પેલેસ ના પ્રાંગણ માંથી વિશ્વની જનતાને અને ખાસ કરીને યુવાનોને વિશેષ સંદેશો આપ્યો હતો ત્યારપછી તેઓ મોડી સાંજે ચાર્ટર પ્લેન મારફતે અમદાવાદ પહોંચ્યા હતા. જેમની સાથે જામનગરના ઈશા ફાઉન્ડેશનના એકતાબા સોઢા પણ જોડાયા હતા.
જેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ મેચમાં હાજરી આપી હતી, ત્યારપછી તેઓ ફરીથી જામનગર પરત ફર્યા હતા અને પ્રતાપ વિલાસ પેલેસમાં રાત્રિ રોકાણ કર્યું હતું ત્યારપછી આજે વહેલી સવારે તેઓએ માજી રાજવી શત્રુશલ્યસિંહજી સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેઓ જામનગરથી રાજકોટ જવા માટે નીકળ્યા હતા. આ વેળાએ ઈશા ફાઉન્ડેશનના મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ વિદાયમાન આપ્યું હતું. એકતાબા સોઢા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા, અને ગુરુદેવનું અભિવાદન કર્યા પછી તેઓ બાઇક મારફતે રાજકોટ તરફ રવાના થયા હતા. જેઓને વિશેષ પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો હતો.