જામનગર શહેરની મોટી હવેલીમાં હોળી ધમાર રસિયા, ફૂલ ફાગ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
મોટી હવેલીમાં વલ્લભ ચોકમાં વૈશ્વાનર યુવા સંગઠન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ભગવાન ઠાકોરજીની સ્તુતિ કરી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતાં. મોટી હવેલીમાં ગુરૂવારે રાત્રીના હોળી ધમાર રસિયા અને ફૂલફાગ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ ઉત્સવમાં ખુબજ મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતાં. ત્યારે આ કાર્યક્રમમાં જામનગરની મોટી હવેલીના હરીરાયજી મહોદય, વલ્લભરાયજી મહોદય, રસાર્દ્રરાયજી મહોદય, જેતપુર હવેલીના મુખ્યાજી પરિવાર ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે વિપુલભાઈ કોટક, દિનેશભાઈ મારફતિયા, નિલેશભાઈ ઉદાણી, નિરજભાઈ દત્તાણી, હિતુલભાઈ કારિયા સહિતના ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. મોટી હવેલીમાં દર વર્ષે વસંતપંચમીથી હોળી સુધી ઠાકોરજીની વ્રજભાષામાં સ્તુતિ કરવામાં આવે છે. આ સ્તુતિને ધમાર રસિયા કહેવામાં આવે છે. જેમાં ફૂલ ફાગ એટલે કે કેસુડાના ફૂલોની વર્ષા કરી ઠાકોરજીની સ્તુતિ કરવામાં આવે છે.