છેલ્લા બે દિવસથી રશિયા યુક્રેન ઉપર પ્રચંડ બોમ્બવર્ષા કરી રહ્યું છે, તેની વચ્ચે પ્રમુખ પુતિને કહ્યું હતું કે, ’રશિયા મંત્રણા માટે તૈયાર જ છે પરંતુ તેઓ (યુક્રેન) ઈનકાર કરે છે.’ યુક્રેનના પ્રમુખની અમેરિકાની મુલાકાત પછી લગભગ તુર્તજ કરાયેલું પુતિનનું આ નિવેદન ધ્યાનાકર્ષક બની રહ્યું છે.
રશિયા દ્વારા સતત કરાઈ રહેલાં આક્રમણ અંગે પુતિને કહ્યું હતું કે, ’અમારી પાસે (તે સિવાય) અન્ય કોઈ વિકલ્પ જ રહ્યો ન હતો. હું માનું છું કે અમે યોગ્ય દિશામાં જ કામ કરી રહ્યાં છીએ. અમો અમારા રાષ્ટ્રીય હિતનું, અમારા નાગરિકોનું, અમારા લોકોનું રક્ષણ કરી રહ્યાં છીએ.’
સમગ્ર યુક્રેનમાં ઠેર-ઠેર એર રેઈડ સાયરન્સ સંભળાઈ રહી છે. રવિવારે જ બે વખત આ સાયરનો વાગી હતી. નાતાલના દિવસે જ યુક્રેને દોનોત્સ્કનો જે થોડો વિસ્તાર પુન: પ્રાપ્ત કર્યો હતો, ત્યાં ત્રણ મિસાઇલ્સ પડયા હતાં. બે વખત સાયરનો વગાડવામાં આવી હતી. દોનોત્સકના ગવર્નર પાવલો કીરીલેન્કોએ જણાવ્યું હતું કે, શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં આ મિસાઇલ્સ પડયાં હતાં પરંતુ તેથી કોઈનું મૃત્યું થયું નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે અવદીવકા નગરમાં પણ છ શેલ પડયા હતા, તેમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. આ વિસ્તારમાં આવેલા બાખુમુન નગર આસપાસ ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોથી રશિયન્સ તેમનું દબાણ વધારવા સતત પ્રયત્નો કરે છે. તેમ અમેરિકાની એક થિંક-ટેન્કનું કહેવું છે.
ઈન્સ્ટીટયુટ ફોર ધ સ્ટડી ઓફ વોર દ્વારા તાજેતરમાં જણાવવામાં આવ્યું છે કે બાખુમુન વિસ્તારમાં રશિયન દળોની આગેકૂચ ધીમી પડી ગઈ છે. યુક્રેનનાં સોશ્યલ મીડીયાએ પહેલા તેવો દાવો કર્યો હતો કે બાખુમુનના પૂર્વના ભાગમાંથી રશિયન દળોને પૂર્ણત: મારી હઠાવાયા છે. યુક્રેનનાં દળોએ ગયા મહિને દક્ષિણના ખેરસન વિસ્તારને અંશત: મુક્ત કર્યો તે પૂર્વે રશિયન દળોએ કરેલાં પ્રચંડ આક્રમણને લીધે અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. યુક્રેને કબ્જે કરેલા ખેરસન વિસ્તારના કેટલાક ભાગ ઉપર 71 મિસાઇલ હુમલા થયા હતા તે પૈકી 41 હુમલા તો માત્ર ખેરસન શહેરમાં જ કરવામાં આવ્યા હતા. તેમ ખેરસનના ગવર્નર યારોસ્લાવ યાનુશેવિચ રવિવારે જણાવ્યું હતું.
યાનુશેવિચે વધુમાં કહ્યું હતું કે 3 ઈમરજન્સી વર્કસ સહિત કુલ 16 જણા આ હુમલામાં માર્યા ગયા હતા. તેઓ બેરીસ્લાવ જિલ્લામાં માઈન્સ દૂર કરી રહ્યા હતા, દરમિયાન તેમના મૃત્યુ થયાં હતાં. જ્યારે બાજુના નિપ્રોપેટ્રોવસ્ક વિસ્તારનાં નિકોપોલ શહેરમાં રાત્રે થયેલા હેવી આર્ટીલરી શેવિંગને લીધે ભારે ખાનાખરાબી થઈ હતી. પરંતુ કોઈ મૃત્યું નોંધાયા નથી, તેમ તે પ્રાંતના ગવર્નર વેલેન્ટીન રેઝનિચેન્કોએ જણાવ્યું હતું.