કેન્દ્ર સરકાર દ્વારા બેંકમાં નિશ્ચિત સમય માર્યાદાથી વધુ નાણાકીય લેવડ દેવડને લઇને નવા નિયમો લાગુ કર્યા છે. બ્લેકમની રોકવા માટે સરકાર દ્વારા નવા નિયમો બનાવવામાં આવ્યા છે. નવા નિયમો 26 મેથી લાગુ કરવામાં આવશે. હવે એક નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ જમા કરવા અથવા ઉપાડવા માટે આધાર અથવા PAN ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ સિવાય સેવિંગ એકાઉન્ટ ખોલવા માટે પણ આધાર અને PAN ફરજિયાત કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષમાં બેંકોમાંથી મોટી રકમના વ્યવહારો માટે PAN માહિતી અથવા આધારનું બાયોમેટ્રિક વેરિફિકેશન આપવું જરૂરી રહેશે. પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવા માટે સમાન નિયમો લાગુ થશે.
આ નિયમો ગ્રાહકો માટે 26 મેથી લાગુ કરવામાં આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિયમ લાગુ થયા બાદ લેવડ-દેવડમાં વધુ પારદર્શિતા આવશે અને કાળું નાણું રોકી શકાશે. નિયમો અનુસાર, હવે જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં ખાતામાંથી 20 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરે છે, તો પાન કાર્ડની માહિતી આપવી પડશે. જો તેની પાસે PAN નથી, તો તે આધારની બાયોમેટ્રિક ઓળખ આપી શકે છે. આનાથી અધિકારીઓ માટે વ્યવહારો પર નજર રાખવામાં સરળતા રહેશે.