કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતા ખેડૂત યુવાનના ઘરમાંથી સાડા ચાર કલાકના સમય દરમિયાન રૂમના કબાટનો નકૂચો તોડી કબાટમાંથી રૂા.95 લાખની જંગી રોકડ રકમની ચોરી થયાના પગલે પોલીસવડા તથા ટીમએ તપાસ આરંભી હતી.
જીલ્લામાં ઈતિહાસમાં કદાચ સૌથી વધુ અને મોટી રકમની ચોરીના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં બેંક ઓફ ઈન્ડિયાની સામે રહેતા અને ખેતી કરતા દિપકભાઈ ભીખાભાઈ જેસડિયા નામના પટેલ ખેડૂત યુવાને હાલમાં જ તેઓની સંયુકત માલિકીનું ચાર એકર ખેતરની જમીનનું વેંચાણ કર્યુ હતું. આ ખેતીની જમીનના વેંચાણ પેટે મળેલા કાર્ડ પેમેન્ટના બે કરોડની રકમ છ માસથી તેના ઘરમાં રાખી હતી. કેમ કે આ રોકડરકમમાંથી અન્ય સ્થળે ખેતરની જમીન ખરીદવાની હોય તેમજ આ માતબર રોકડ રકમમાંથી 20 લાખ અન્યને ચૂકવ્યા હતાં. જ્યારે બાકીના 95 લાખની રોકડ પોતાના રૂમમાં તથા બાકીના 85 લાખ રોકડા તેના પિતાના રૂમમાં રાખ્યા હતાં. દરમિયાન ગુરૂવારે તેના પિતા અને બે ભાઈઓ બહારગામ ખેતીની જમીન જોવા ગયા હતાં જ્યારે દિપકભાઇ તથા તેમના પત્ની અને બાળકો પ્રસંગમાં હાજરી આપવા રાજકોટ ગયા હતાં.
સાડા ચાર કલાક બાદ પરત ફરેલા દિપકભાઇ તથા પરિવારજનો ઘરના દરવાજા ખુલ્લા જોવા મળતા ચોરી થયાની શંકાએ ઘરમાં પ્રવેશ કરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન દિપકભાઈના રૂમમાં રહેલા કબાટમાંથી રૂા.95 લાખની રોકડ ચોરી થઈ ગઇ હોવાનું જણાયું હતું. જેથી યુવાને તાત્કાલિક પિતાના રૂમમાં જઈ તપાસ કરતા તેના કબાટમાં રાખેલી રૂા.85 લાખની રકમ સલામત હતી. ત્યારબાદ ખેડૂતે આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી કાલાવડ પોલીસ, એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે આશરે એક કરોડની રોકડ ચોરીની તપાસ માટે એફએસએલ તથા ગુનાશોધક શ્ર્વાનની મદદ લેવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં ખેડૂત યુવાનની પૂછપરછ કરી હતી. જો કે, 95 લાખની માતબર રોકડની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ આકાશ-પાતાળ એક કરી દીધું છે અને તાત્કાલિક ચોરીનો ભેદ ઉકેલવા જુદી જુદી દિશામાં જુદી જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નાનકડા એવા ગામમાં 95 લાખની રોકડ રકમની ચોરીના બનાવથી ફફડાટ ફેલાઈ ગયો છે.