જામનગર જિલ્લાના કાલાવડ, જામજોધપુર, જોડિયા તાલુકાના તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાણવડ તાલુકાના રોડ-રસ્તાના નોનપ્લાન રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂા. 11 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જનસુવિધાના આ મહત્વના કામો મંજૂર થતાં સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને મંત્રી પૂર્ણેશભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
રાજ્યના માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ કાલાવડ તાલુકાના લલોઇથી મોટી ભગેડી રોડ રૂા. 200 લાખ, જામજોધપુર તાલુકાના ઉદેપુર-સતાપર રોડ નવા-જૂના લાલવાળા અને બધુડીયા નેશ સુધીનો રસ્તો રૂા. 242 લાખ, જોડિયા તાલુકાના સ્ટેટ હાઇ-વેથી શામળાપીર મંદિર એપ્રોચ રોડ રૂા. 75 લાખ તથા ખંભાળિયા તાલુકાના આહિર સિંહણથી હાપાલાખાસર રોડ રૂા. 465 લાખ અને ભાણવડ તાલુકાના ભાણવડ-પાછતર-નાગડા રોડ રૂા. 117.85 લાખના કામોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે અને આગળની પ્રક્રિયા હાથ ધરવા સૂચના અપાયેલ છે.
જામનગર સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ રૂા. 11 કરોડના રસ્તાના વિકાસ કામો મંજૂર થતાં લગત વિસ્તારોના ગામો માટે પરિવહન અને આવન-જાવન માટે ખૂબ સાનુકુળતા થશે. આ માટે સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને મંત્રી પૂર્ણેશભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.