રાજકોટ રેલવે ડિવિઝનના સમર્પિત કર્મચારીઓ યાત્રીઓને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા આગળ હોય છે. રાજકોટ ડિવિઝનમાં સીનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ તા. 22 ના રોજ રાજકોટ રેલવે સ્ટેશન પર બેગ સ્કેનર ડ્યુટી પર તૈનાત મહિલા કોન્સ્ટેબલ પ્રિયાશી દુબેને સર્ક્યુલેટીંગ એરિયામાં એક બેગ લાવારિસ પડી હોવાની માહિતી મળી હતી. ત્યારે મશીન વડે આ બેગની તપાસ કરી બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન હોવાની ખાતરી કર્યા બાદ તેણે આ બેગને આરપીએફ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી. બાદમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના સ્ટાફ દ્વારા 2 પંચોની હાજરીમાં બેગ ખોલવામાં આવી હતી. ત્યારે આ બેગમાંથી કુલ રૂા. 32000 નું માલસામાન મળ્યો હતો. જેમાં રૂા. 28000ની રોકડ, આશરે રૂા. 2000ની કિંમતના સ્પોર્ટ્સ શૂઝ અને રૂા. 2000ની કિંમતની અમેરિકન ટુરિસ્ટર બેગ મળી આવ્યું હતું. ત્યારે બેગમાંથી મળેલી ડાયરીમાં લખેલા મોબાંઈલ નંબર પર સંપર્ક કરતાં ચંચલ મુખર્જી નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે , તે સંત્રાગાછીથી રાજકોટ ટ્રેન નંબર 12950 સંતરાગાચી – પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં રાજકોટ આવ્યો હતો. અને મુસાફરી કર્યા બાદ સ્ટેશન પર જ ટ્રોલી બેગ ભૂલી ગયો હતો.
રેલ્વે પોલીસે ટ્રોલી બેગ ભૂલી ગયેલ મુસાફરને 22 મી ફેબ્રુઆરીના રોજ બોલાવી અને માહિતીની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ તેનો બધો સામાન તેને પરત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ ડિવિઝનના આરપીએફ સ્ટાફે ઓપરેશન અમાનત હેઠળ અત્યાર સુધીમાં 57 મુસાફરોના ટ્રેન અને સ્ટેશન પર છૂટી ગયેલા રૂા. 7.73 લાખની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રીતે પરત કરી છે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી હતી.