કેન્દ્રની મોદી સરકારે રૂફટોપ સોલાર માટે મહત્વાકાંક્ષી જાહેરાત કરી જ હતી હવે ઘરવપરાશના રૂફટોપ સોલાર માટે અપાતી સબસીડી 40 ટકાથી વધારીને 60 ટકા કરવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ઉર્જામંત્રી આર.કે. સિંઘે જણાવ્યું હતું કે લોઅર અને લોઅર મીડલ ક્લાસના લોકો પણ રૂફટોપ સોલારનો લાભ લઇ શકે તે માટે મૂડી ખર્ચની વર્તમાન સબસીડી 40 ટકા છે તે વધારીને 60 ટકા કરવાની વિચારણા છે. સબસીડી વધારવાનો સરકારનો ઇરાદો છે અને તે 60 ટકા થઇ શકે છે. હાલ 40 ટકા સબસીડી અપાય છે.
કેન્દ્રીય બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સિતારામને કહ્યું હતું કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના (રૂફટોપ સોલાર સ્કીમ)થી એક કરોડ પરિવારો 300 યુનિટ વિજળી મફત મેળવી શકશે. 300 યુનિટથી ઓછો વિજવપરાશ ધરાવતા પરિવારોને કેન્દ્રમાં રાખીને આ સ્કીમ તૈયાર કરવામાં આવી છે જેમાં મોટાભાગે આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો હોય છે અને તેઓને લોન મેળવવામાં મુશ્કેલી પડતી રહ્યા છે.
આ પ્રોજેક્ટ માટે સરકારી વિજકંપનીઓ ખાસ ગોઠવણ કરશે અને પ્રોજેકટના અમલીકરણની કામગીરી સંભાળશે. આ સ્કીમ લાગુ કરવા માટે બે ભાગ નક્કી કરવામાં આવ્યા છે. 3 કેવીથી ઓછો વિજલોડ ધરાવતા ગ્રાહકોનો સરકારી વિજકંપનીઓ સામેથી સંપર્ક કરશે. 60 ટકા સબસીડી સિવાયની 40 ટકા ખર્ચ રકમ માટે લોન ઉપલબ્ધ કરાવશે.
આ મકાનોમાં ઉત્પન્ન થનારી સોલાર ઉર્જાનો વપરાશ વિનાનો ભાગ પરત મેળવીને તમાંથી લોનના નામાં રિકવર કરાશે. સરકારની ગણતરી મુજબ 10 વર્ષમાં લોનના નામાં રિકવર થઇ જશે. 3 કેવીથી અધિકનો વિજલોડ ધરાવતા પરિવારોને મૂડી ખર્ચની સબસીડી 40 ટકા જ રહેશે. પરંતુ બાકીના 60 ટકા ખર્ચના નઆમા લોન પેટે બેંકોમાંથી ઉપલબ્ધ કરાવાશે.