જામનગર શહેરના જૂના વિસ્તારોમાં અનેક ઈમારતો જર્જરિત થઇ ગઇ છે. આ જર્જરિત ઇમારતો માટે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગાઉ પણ નોટીસો પાઠવવામાં આવી હતી. દરમ્યાન પટ્ટણીવાડ વિસ્તારમાં મંગળવારે સાંજે ઇમારતની છત ધરાશાયી થતાં સદનસીબે કોઇ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં પટ્ટણીવાડ વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં જૂની ઇમારતો જર્જરિત થઇ ગઇ છે. મહાનગરપાલિકા દ્વારા આ જર્જરિત ઇમારતો માટે નોટીસો ફટકારી તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. હાલમાં ચોમાસાની સીઝન શરૂ થઇ ગઇ હોય શહેરમાં આવેલી જર્જરિત ઇમારતો ચોમાસામાં વધુ જોખમી બની જાય છે. દરમ્યાન મંગળવારે મોડી સાંજના સમયે જામનગર શહેરના પટ્ટણીવાડ વિસ્તારમાં આવેલી જૂની અને જર્જરિત ઇમારતની છત ધરાશાયી થઇ હતી. જો કે, સદનસીબે આ ઇમારતમાં 20 થી 25 લોકો રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ઘટના સમયે ઇમારતમાં એકપણ વ્યક્તિ હાજર ન હતી. જેના કારણે મોટી જાનહાનિ થતાં અટકી હતી. ત્યારબાદ ઇમારત ધરાશાયી થવાની જાણ થતાં મહાનગરપાલિકાની ફાયર શાખા, એસ્ટેટ શાખા અને પોલીસની ટીમ તથા કોર્પોરેટર અસલમ ખિલજી ઘટના સ્થળે દોડી ગયા હતા.
ફાયર શાખા દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઇમારતમાં રહેતાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ શહેરમાં આવી તો અનેક જર્જરિત ઇમારતો આવેલી છે. હાલ ચોમાસાની સીઝન હોય, જૂની અને જર્જરિત ઇમારતો વધુ જોખમી બની ગઇ છે. મહાનગરપાલિકાની ફાયર શાખાએ ચોમાસાની સીઝનમાં વધુ કોઇ જર્જરિત ઇમારત ધરાશાયી ન થાય અને જાનહાનિ ટળે તેવા પગલાં લેવા લોકમાંગણી ઉઠી છે.


