ભાણવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતા એક પરિવારના મકાનમાં રાત્રિના સમયે તસ્કરોને ત્રાટકી અને ઘરમાં સૂતેલા 80 વર્ષીય વૃદ્ધાના કાનમાંથી સોનાના વેઢલાની લૂંટ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર બનાવ અંગે ભાણવડથી આશરે 20 કિલોમીટર દૂર માનપર ગામે રહેતા અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા જગાભાઈ ઉર્ફે ભુટાભાઈ કારાભાઈ બેરા નામના ચાલીસ વર્ષના આહીર યુવાને ભાણવડ પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ ગત તારીખ 30 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે તેમના માતા મટુબેન (ઉ.વ. 80) પોતાના ઘરમાં આવેલી ઓસરીના ખાટલા ઉપર સુતા હતા. ત્યારે રાત્રિના આશરે બારેક વાગ્યાના સમયે ચોરી કરવાના ઇરાદે ત્રણ શખ્સો તેમના ઘરમાં પ્રવેશ્યા હતા. આશરે 20 થી 30 વર્ષની ઉંમરના આ ત્રણ અજાણ્યા શખ્સોએ ઓસરીમાં ખાટલા ઉપર સૂતેલા મટુબેનને પકડી રાખીને તેણીએ કાનમાં પહેરેલા રૂપિયા 40 હજારની કિંમતના એક તોલા સોનાના વેઢલા કાઢી લઈને લૂંટ કરીને નાસી છૂટ્યા હતા.
ગ્રામ્ય વિસ્તારમાં લૂંટ ચલાવીને અંધારામાં ઓગળી ગયેલા આ ત્રણ અજાણ્યા શખ્સો સામે ભાણવડ પોલીસે આઈપીસી કલમ 392, 497 તથા 34 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે. રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારમાં થયેલી લૂંટના આ બનાવે સ્થાનિક ગ્રામજનોમાં ભય સાથે ભારે ચર્ચા જગાવી છે.