Sunday, December 14, 2025
Homeરાજ્યજામનગરમાર્ગ અને બ્રીજની ગુણવત્તા તથા વરસાદની આગાહીના પગલે પ્રભારી સચિવ દ્વારા સમિક્ષા...

માર્ગ અને બ્રીજની ગુણવત્તા તથા વરસાદની આગાહીના પગલે પ્રભારી સચિવ દ્વારા સમિક્ષા બેઠક – VIDEO

અનુપમ આનંદના અધ્યક્ષસ્થાને ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક યોજાઇ : જિલ્લાના રસ્તા અને બ્રીજનું નિરીક્ષણ

જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અને રાજ્યના વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના માર્ગો તથા બ્રિજની ગુણવત્તા તેમજ હાલની ભારે વરસાદની આગાહી અંગે કરવાની થતી કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે જિલ્લા વહીવટી તંત્ર, નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ, કોર્પોરેશન તથા અન્ય સંબંધિત વિભાગોને રસ્તાઓ અને બ્રિજનું વારંવાર નિરીક્ષણ કરવા અને જાળવણીની કામગીરી સતત ચાલુ રાખવા જણાવ્યું હતું. તેમણે જર્જરિત મકાનો કે ખરાબ માર્ગોને કારણે કોઈ જ જાનહાની ન થાય તેની વિશેષ કાળજી રાખવા અંગે પણ સૂચના આપી હતી.

- Advertisement -

પ્રભારી સચિવએ તમામ પ્રાંત અધિકારીઓ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પાસેથી પુલના નિરીક્ષણ, તેઓએ લીધેલી મુલાકાત સહિતની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત, તેમણે નબળા પુલો તથા સ્ટ્રક્ચર વિશેની માહિતી મેળવી તેનું વારંવાર નિરીક્ષણ તથા જરૂરી સમારકામ કરવા સૂચન કર્યું હતું.સાથે જ મંત્રી, સાંસદ તથા ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતી રજૂઆતો અંગે પણ સકારાત્મક અભિગમ દાખવી, તે અંગે તાત્કાલિક કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.અને સાંસદ તથા ધારાસભ્યો દ્વારા કરાયેલ રજુઆતો અંગેની બેઠકમાં સમીક્ષા કરી હતી.

- Advertisement -

પ્રભારી સચિવએ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત), અને મહાનગરપાલિકાના અધિકારીઓ પાસેથી જિલ્લાના રસ્તાઓ અને બ્રિજની વિગતો મેળવી હતી. તેમણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની પણ સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જિલ્લામાં બંધ કરવામાં આવેલ બ્રિજ, ડાયવર્ટ કરાયેલા રૂટ તથા નવા બ્રિજની કામગીરી અંગે પણ જાણકારી મેળવી હતી અને નવનિર્મિત કામો દરમિયાન યોગ્ય રૂટ ડાયવર્ટ કરવા, યોગ્ય સાઇનબોર્ડ મૂકવા, રિફ્લેક્ટર લગાવવા તથા ડાયવર્ટ કરાયેલા રૂટને યોગ્ય રીતે તૈયાર કરવા અને નાગરિકોને ઓછામાં ઓછી હાલાકી પડે તે પ્રકારે કામગીરી હાથ ધરવા પ્રભારી સચિવએ ભારપૂર્વક જણાવ્યું હતું.

આ સાથે જ ગંભીરા પુલ દુર્ઘટના બાદ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજનાબદ્ધ ધોરણે હાથ ધરેલ પુલોની સમીક્ષા, રૂટ ડાયવર્ઝનની કામગીરી તથા માર્ગ મરામતની કામગીરી અંગે પ્રભારી સચિવએ સંતોષ વ્યક્ત કર્યો હતો. અને હાથ ધરાયેલ આ ત્વરિત કામગીરીની સરાહના કરી હતી.

- Advertisement -

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, સર્વે પ્રાંત અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, જી.એસ.આર.ટી.સી., પીજીવીસીએલ, આરટીઓ સહિતના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular