જામનગર શહેરમાં સાંઢીયા પુલ થી લાલપુર ચોકડી તરફ જતા માર્ગ પર ચાલીને જતા મહિલાને પૂરઝડપે બેફીકરાઇથી આવતા છકડાચાલકે ઠોકરી મારી પછાડી દીધા બાદ સાઈડમાં પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાતા છકડા ચાલકનું ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ,જામનગર તાલુકાના ચેલા ગામના વાડી વિસ્તારમાં રહેતાં કૌશલ્યાબેન કિશોરભાઈ કણજારીયા (ઉ.વ.40) નામના મહિલા સોમવારે સાંજના સમયે સાંઢીયા પુલથી લાલપુર ચોકડી તરફના માર્ગ પર ચાલીને જતા હતાં ત્યારે હોટલ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલા જીજે-10-ટીડબલ્યુ-9557 નંબરના છકડા ચાલકે મહિલાને ઠોકર મારી પછાડી દીધા હતાં ત્યારબાદ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સાઈડમાં પાર્ક કરેલા જીજે-10-ટીએકસ-4753 નંબરના ડમ્પર પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માતમાં છકડા ચાલક કાનાભાઈ ગાંગાભાઈ ખરા નામના વ્યક્તિને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવ અંગે ઈજાગ્રસ્ત મહિલા કૌશલ્યાબેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફે ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી જઈ મહિલાના નિવેદનના આધારે છકડાચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


