Tuesday, March 17, 2026
Homeરાજ્યહાલારસોનાના ખોટા ચેઇનને બદલે કડું, રોકડ લઇ રિક્ષાચાલક છૂમંતર

સોનાના ખોટા ચેઇનને બદલે કડું, રોકડ લઇ રિક્ષાચાલક છૂમંતર

ખંભાળિયામાં વતન જવા માટે આવેલા એક પરપ્રાંતિય શ્રમિક યુવાનને એક રીક્ષા ચાલકે મળી આવેલા સોનાના ચેનના બદલામાં ભાગ પાડવાનું કહી, આ યુવાનનું કિંમતી ચાંદીનું કડું, મોબાઈલ ફોન અને રોકડ રકમ મેળવી લઈને નવતર રીતે ઠગાઈ કરવામાં આવી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના તલીયા લાલ ગામ ખાતે રહેતા અને હાલ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે એક આસામીના ખેતરમાં પરિવાર સાથે મજૂરી કામ કરતા ઈશ્વરભાઈ માલુભાઈ મછાર (ઉ.વ. 40) નામના યુવાન તેમના વતન જવા માટે તેમના 15 વર્ષના પુત્ર બજયરાજ સાથે રવિવાર તારીખ 15 ના રોજ પટેલકાથી ભાટિયા અને ભાટિયાથી ખંભાળિયા ખાનગી બસમાં આવ્યા હતા. તેઓ અહીંના સલાયા રેલવે ફાટક પાસેના ખાનગી બસ સ્ટેન્ડ પાસે ઉતર્યા હતા અને અહીંના એસ.ટી. બસ સ્ટેન્ડ જવા માટે નીકળ્યા હતા.

તેમની પાછળથી આવેલા એક રીક્ષા ચાલકે તેમની પાસે પોતાની રીક્ષા ઉભી રાખીને કહેલ કે “ચાલો પંદર રૂપિયામાં હું તમને બસ સ્ટેન્ડ મૂકી જાઉં” જેથી ઈશ્વરભાઈએ હા પાડી હતી અને પિતા-પુત્ર આ રીક્ષામાં બેસી ગયા હતા. આ રીક્ષામાં અગાઉથી જ એક સિનિયર વ્યક્તિ પણ બેઠા હતા. થોડે આગળ જતા સાથે બેઠેલા મોટી ઉંમરના વ્યક્તિએ કહેલ કે મારો ચેન ક્યાંક ખોવાઈ ગયો છે. તેમ કહી, રીક્ષા ઉભી રખાવીને તેઓ ઉતરી ગયા હતા.

- Advertisement -

થોડે આગળ જઈને રીક્ષા ચાલકે ઉપરોક્ત વડીલનો ચેન એક ડબ્બીમાં આ રિક્ષામાં સીટ નીચે પડ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ઈશ્વરભાઈએ કહ્યું કે આ ચેન તેના માલિકને સોંપી દ્યો. પરંતુ રીક્ષા ચાલકે કહ્યું હતું કે આ ચેન આપણે સરખે ભાગે વહેંચી લઈએ તમે મને રૂપિયા 90,000 આપો. જેથી ઈશ્વરભાઈએ કહ્યું હતું કે મારી પાસે પૈસા નથી. જેથી રિક્ષાવાળા ઈશ્વરભાઈ તથા તેમના પુત્ર જયરાજને ગામમાં એક સ્થળે લઈ ગયા હતા અને કહ્યું હતું કે આ ચેન હું રાખી લઉં અને તમને રૂપિયા આપી દઈશ. તેમ કહી ચેનની ડબ્બી તેમણે ઈશ્વરભાઈને આપી, તેના બદલામાં ભરોસા માટે રીક્ષા ચાલકે ઈશ્વરભાઈએ પહેરેલું ચાંદીનું કડું, મોબાઈલ અને રોકડ રકમ લીધી હતી.

આ પછી લાંબો સમય વીતવા છતાં પણ રીક્ષા ચાલક પરત આવ્યો ન હતો. અને ચેન જોતા આ ચેન ખોટો હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. જેથી ઈશ્વરભાઈને રીક્ષા ચાલકની સમગ્ર ચાલ ધ્યાનમાં આવી હતી. રીક્ષામાં અગાઉથી બેઠેલા મોટી ઉંમરના વ્યક્તિ તથા રીક્ષા ચાલકે તેમને છેતરવા માટે અગાઉથી જ આખો પ્લાન કરી અને સોનાનો ખોટો ચેન રિક્ષામાં રાખી, ઈશ્વરભાઈનું રૂ. 35,000 ની કિંમતનું ચાંદીનું કડું, રૂ. 5,000 ની કિંમતનો મોબાઈલ ફોન અને રૂપિયા 900 ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા રૂ. 40,900 નો મુદ્દામાલ રીક્ષા ચાલકે સાથે લઈ જઈને પરત નહીં આવી તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે રીક્ષા ચાલક અને તેની સાથે રહેલા અન્ય એક અજાણ્યા શખ્સ સામે વિધિવત રીતે ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular