જામનગરમાં રહેતાં નિવૃત્ત પોલીસ કર્મચારી આજે સવારે ઇન્ટરસિટી ટ્રેન મારફતે અમદાવાદ હાઇકોર્ટમાં મુદ્દત માટે હાજરી આપવા જતાં હતાં. તે દરમ્યાન ચાલુ ટ્રેનમાં પડધરી નજીક ત્રણ બુકાનીધારીઓએ ફાયરના બાટલા વડે હુમલો કરી રિવોલ્વર અને મોબાઇલની લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતા.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગરમાં રહેતા નિવૃત પોલીસ અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.75) નામના વૃદ્ધ આજે સવારે ઇન્ટરસિટી ટ્રેન મારફતે જામનગરથી અમદાવાદ હાઈકોર્ટમાં એક મુદતમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતાં. જે દરમિયાન ચાલુ ટ્રેનમાં પડધરી નજીક ત્રણ બુકાનીધારી શખ્સોએ આવીને વૃદ્ધ ઉપર ફાયરના બાટલા વડે હુમલો કરી લોહીલુહાણ કરી દીધા હતા. ત્યારબાદ વૃદ્ધ પાસે રહેલી રિવોલ્વર તથા તેમનો મોબાઇલ લૂંટારૂઓ લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતા. હુમલો અને લૂંટની ઘટનામાં ઘવાયેલા નિવૃત્ત પોલીસ અધિકારીને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણ થતાં રેલવે પોલીસની ટીમે વૃદ્ધના નિવેદનના આધારે લૂંટારૂઓના વર્ણન મેળવી શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


