જામનગર શહેરમાં વિકાસ ગૃહ રોડ ઉપર સખી-1 સેન્ટર ખાતે અગાઉ કોરોના ટેસ્ટીંગની કામગીરી તેમજ ઋતુજન્ય બિમારીઓની દવા આપવામાં આવતી હતી. આ સેન્ટર મહાનગરપાલિકાના વોર્ડ નં. 2,3 અને 4 ના વિસ્તારમાં રહેતા લોકોને ઉપયોગી થતું હોવાથી અને મેઇન રોડ ઉપર સેન્ટર આવેલ હોવાના કારણે અગાઉ મહાનગરપાલિકા દ્વારા શેડ તેમજ બેઠક વ્યવસ્થા જેવી આનુસંગીક સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી હતી. પરંતુ, કોઇપણ કારણોસર આ સેન્ટર ઘણા સમયથી મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. આથી આ સેન્ટર ખાતે તાત્કાલીક આરોગ્ય કેન્દ્ર ચાલુ થાય અને હાલમાં શિયાળાની ઋતુની શરૂઆત થઇ ગઇ હોય, તેમજ હાલે કોરોનાનો કેસો પણ વધતાં લોકો પોતાના આરોગ્યલક્ષી ચકાસણી સ્થાનિક આરોગ્ય કેન્દ્ર ખાતે મળી રહે તે અંગે આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવા અંગે આનુસંગીક કાર્યવાહી કરવા સુભાષભાઇ જોષી, પૂર્વ ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી અને કોર્પોરેટર વોર્ડ નં. 3 દ્વારા કમિશ્નર, મેયર, ચેરમેન સ્ટેન્ડીંગ કમિટીને અવાર-નવાર લેખીત તથા મૌખીક રજુઆતો કરી હતી. આ રજુઆત અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા આજરોજ સખી-1 સેન્ટર ખાતે કોરોના ટેસ્ટીંગની કામગીરી તેમજ ઋતુજન્ય બિમારીઓ અંગે દવા આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કેન્દ્રમાં સવારે 10 થી 1 અને બપોરે 4 થી 6 દરમ્યાન પરિક્ષણ કરાવવા લોકોને અનુરોધ કરાયો છે.