જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલ 1404 આવાસો પૈકીના 66 બ્લોકના 792 ફલેટ રીડેવલોપમેન્ટના નામે તોડી નાખવામાં આવ્યા બાદ આ આવાસ ધરાવતા લોકોને ભાડા કે વૈકલ્પીક રહેઠાણ મળ્યા ન હોય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત હાલમાં ચાલી રહેલ એસઆઇઆરની કામગીરીમાં અનેક લોકો મતદાર યાદી સુધારણાથી પણ વંચીત રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આથી આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ પણ આવાસ ધારકો માંગણી કરી રહ્યા છે.
વર્ષ 2018માં જામનગર મહાનગર પાલિકા દ્વારા આવાસ યોજનાના 1404 ફ્લેટસ ધરાવતા 117 બિલ્ડીંગોને જર્જરિત જાહેર કરવામાં આવ્યા હતાં અને તંત્ર દ્વારા લોકોને પોતાના મકાન ખાલી કરીને અન્ય સ્થળે જતા રહેવા નોટીસો આપવામાં આવી હતી. જેને લઇ લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં અને અચાનક ઘર ખાલી કરીને કયાં જવું તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. એવામોં વર્ષ 2023માં જામનગર મહાનગરપાલિકાએ આવાસ યોજનાને રિડેવલપમેન્ટ પોલીસીમાં સમાવી હતી. અને રીડેવલોપમેન્ટ પોલીસીને લઇ અસરગ્રસ્ત આવાસ ધારકોને ફાઇલની પુર્તતા કરવા અને પાછલા બાકી વેરા ચૂકવવા પણ તાકીદ કરવામાં આવી હતી. જેથી રીડેવલોપમેન્ટ પોલીસીનો તેઓ લાભ મેળવી શકે આ ઉપરાંત બાકી વેરા ઉપર તંત્રએ 100 ટકા વ્યાજ માફીની સ્કીમ પણ આપી હતી. પરંતુ 1404 આવાસો પૈકીના 500થી વધુના પેપર્સ યોગ્ય હતા. બાકીના પાસે ઉત્તરોત્તરના કરારો જ હતાં.
તંત્ર દ્વારા 792 જેટલા આવાસો તોડી પાડવામાં આવ્યા હતાં. જેને લઇ આ આવાસ ધારકો બેઘર થતાં તેઓએ પોતાની સગવડતા મુજબ ક્યાંકને ક્યાંક મકાનો શોધી લીધા છે. તો બીજી તરફ મતદારયાદીમાં ભાગ-27માં મકાનો મુજબના ક્રમ નંબરો ધરાવતા લોકો જ વેરવિખેર થઈ ગયા છે. આ આવાસના વિસ્તારમાં એસઆઈઆર દ્વારા બીએલઓ હજુ આવ્યા નથી. હાલ 792 પરિવારોમાંથી કેટલાના એસઆઈઆર થયા છે ? તે કોઈને ખબર નથી. કારણ કે એસઆઈઆર માટેના ફોર્મ ઘરે ઘરે બાંટવાના હતા. અહીં તો ઘર જ ઉડી ગયા છે. તો કોઈને ફોર્મ વિતરણ થયા ન હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકો જણાવી રહ્યાં છે કે પહેલા તંત્ર દ્વારા અમોને ઘર વિહોણા કરવામાં આવ્યા હવે તો આધાર વિહોણા કર્યા છે. તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આવાસ ધારકોની માંગ છે.


