જામનગર શહેરમાં પ્રદર્શન મેદાન પાસે આવેલા તળાવમાં આજેસવારે કોઇ યુવાન પડયો હોવાની જાણ થતા જામનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને યુવાનને પાણીમાંથી બહાર કાઢી 108 દ્વારા તાત્કાલિક સારવાર આપતા યુવાનનો આબાદ બચાવ થયો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પ્રદર્શન મેદાન પાછળ આવેલા તળાવના પાણીમાં કોઇ યુવાન પડી ગયો હોવાની જાણ થતા જામનગર ફાયર વિભાગના જસ્મીન ભેંસદડિયા સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તળાવના પાણીમાંથી યુવાનને બહાર કાઢયો હતો. ત્યારબાદ યુવાનને સ્થળ પર પહોંચેલી 108 એમ્બ્યુલન્સની ટીમના ઈએમટી દ્વારા સારવાર આપવામાં આવી હતી. પાણીમાંથી બહાર કાઢેલા યુવાનને તુરંત જ યોગ્ય સારવાર મળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. યુવાન પાસેથી મળી આવેલા આધાર કાર્ડના કારણે મિલન મકવાણા (રહે.ગુલાબનગર) વિસ્તારનો રહેતો હોવાની ઓળખ થઈ હતી. ત્યારબાદ યુવાનને સારવાર આપવામાં આવી હતી. જોકે, આ અંગેની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને યુવાને કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કયો ? તે અંગેની પૂછપરછ હાથ ધરી હતી.