આગામી 26મી જાન્યુઆરીએ આતંકીઓ કાશ્મીરમાં કોઇ મોટા હુમલાને અંજામ આપી શકે છે, તેવા ઇનપૂટ મળ્યા બાદ જમ્મુ કાશ્મીરને જોડતા મોટા ભાગના રોડ પર સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. જ્યારે જમ્મૂ-પઠાણકોટ હાઇવે પર હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીરને જોડતા હિમાચલ પ્રદેશ અને પંજાબના હાઇવે પર પણ સૈન્ય દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. અહીં બીએસએફ દ્વારા વિશેષ તપાસ નાકા તૈયાર કરાયા છે. જેમાં જમ્મુ કાશ્મીર પોલીસ, સીઆરપીએફ, સૈન્યની મદદ લેવામાં આવી રહી છે. જ્યારે એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે સુરક્ષા ગ્રિડને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
દરમિયાન અનંતનાગમાં આતંકીઓ દ્વારા સીઆરપીએફના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે સૈન્યની જવાબી કાર્યવાહી શરૂ થતા જ આતંકીઓ સ્થળ પરથી નાસી છૂટયા હતા. જેમની શોધખોળ માટે સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં થોડા દિવસ પહેલા એક બોમ્બ મળી આવ્યો હતો. જ્યારે હવે દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં બે શંકાસ્પદ બેગો મળી આવી છે. અહીંના મેટ્રો ફ્લાયઓવર પર આ બેગ પડી હતી. જેની જાણકારી પોલીસને ફોન દ્વારા આપવામાં આવી હતી. હાલ આ બેગને જપ્ત કરીને તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે પ્રાથમિક તપાસમાં કઇ જ શંકાસ્પદ નથી જોવા મળ્યું.