ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલીસી-2020 હેઠળ ઔદ્યોગિક હેતુમાટે સરકારીપડતર જમીન ભાડાપટ્ટે આપવા મહેસૂલ વિભાગે મંગળવારે ઠરાવ પ્રસિધ્ધ કર્યો હતો. સરકારે પોલીસીમાં અલગ તારવ્યા મુજબના ત્રણ કેટેગરીના તાલુકાઓમાં આ ઠરાવ મુજબ સરકારી પડતરમાંથી મહતમ 50 વર્ષ માટે પૂર્ણ બજાર કિંમતના 6 ટકા વાર્ષિક ભાડાના અવેજમાં જમીન ફાળવવાનું નકકી કર્યુ છે. એટલું જ નહિ, મુળ ઔદ્યોગિક હેતુસર તેને સબ-લીઝ પણ કરવા અને લીઝ-હોલ્ડ બેંકમાં તારણમાં મુકીને લોન પણ મેળવવાની છુટછાટ પણ અપાઇ છે.
ડેપ્યુટી સેક્રેટરી ડી.આર.ભમ્મરની સહી સાથે પ્રસિધ્ધ ઠરાવમાં જણાવ્યું છે કે, ભાડાપટ્ટાની જમીન ઉપર દર પાંચ વર્ષે 10 ટકા ભાડું વધારાશે. 50 વર્ષ પછી જે તે સમયના નિયમોને આધિન સરકાર ભાડાપટ્ટો રિન્યુ પણ કરી કરશે. મહેસૂલ વિભાગના છઠ્ઠી જૂન 2003ના ઠરાવમાં સુધારો કરતા ઠરાવમાં કહેવાયુ છે કે, ઔદ્યોગક એકમે લીઝ એગ્રીમેન્ટથી ત્રણ વર્ષમાં ઉત્પાદન શરૂ કરવાનું રહેશે. તેના માટે ખાનગી જમીન સંપાદન કરવી પડે તોય એકમે જ ખર્ચ ઉપાડવજાનો રહેશે. લીઝ ઉપર આપેલી જમીન પૂર્વ મંજૂરીથી સબ-લીઝ અથવા સબ-લેટ પણ કરી શકાશે. મહેસૂલ વિભાગે ચોકકસ શરતોને આધિન ઔદ્યોગિક એકમને ભાડાપટ્ટાથી આપેલી સરકારી જમીનના લીઝ હોલ્ડ હકો લોનના હેતુ માટે બેંક, નાણાંકિય સંસ્થાના તારણમાં મુકવા પણ નવા ઠરાવમાં છુટ આપી છે. જેમાં એકમ લોન ભરપાઇ કરવામાં અસમર્થ રહે ત્યારે વેચાણ કે હરાજી માત્ર લીઝ હોલ્ડ હકોનું જ થઇ શકશે, જમીનનું નહિ તેવી ખાસ સ્પષ્ટતા કરાઇ છે. આવા કિસ્સામાં બેંક કરતા સરકારી લેણાની પ્રથમ અગ્રતા રહેશે. જમીનનું ભાડું તથા લાગુ પડતા ઇતર વેરાઓ અગાઉની ચૂકવવાની શરત સાથે આ ઠરાવમાં નિયત તારીખથી 90 દિવસની મુદત પછી 12 ટકા વ્યાજ વસૂલવાનું કહેવાયું છે.