જામનગરના ટાઉનહોલના રિનોવેશન માટે રૂા. 2.96 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે ગુલાબનગરમાં આવેલો જર્જરીત કોમ્યુનિટ હોલ તોડીને નવો બનાવવામાં આવશે.
ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં કરોડોના ખર્ચે બનેલા ટાઉનહોલની મરામત અને રિનોવેશન માટે વધુ 2.96 કરોડ ખર્ચવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ગુલાબનગરની દયાનંદ સોસાયટીમાં આવેલ જર્જરીત કોમ્યુનિટ હોલ તોડી પાડી તેમની જગ્યાએ નવો હોલ બનાવવા માટેના કામને પણ સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આજે યોજાયેલી બેઠકમાં કુલ 3.28 કરોડના જુદા જુદા કામોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં ગઇકાલે કુનુરમાં સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત સહિતનાને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તેમજ તેમના માનમાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, કમિશનર ખરાડી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.