જામનગર મહાપાલિકાની ટીપીઓ શાખામાં પેધી ગયેલા કર્મચારીઓની અન્ય શાખામાં બદલી કરી ભ્રષ્ટાચાર અટકાવા માગણી કરવામાં આવી છે. વોર્ડ નં. 4ના વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણિયાએ કમિશનરને પત્ર પાઠવી તાકિદે કાર્યવાહી કરવા જણાવ્યું છે. કમિશનરને કરેલી રજૂઆતમાં રચના નંદાણિયાએ જણાવ્યું છે કે, જામ્યુકોની ટીપીઓ શાખામાં અવાર-નવાર ભ્રષ્ટાચારની ફરિયાદો આવે છે. કર્મચારીઓ નીત-નવા કિમીયાઓ શોધીને ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે.
જેમાં મોટાભાગના પેધી ગયેલા કર્મચારીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે. ટીપીઓ શાખાના કેટલાંક અધિકારીઓ છાને ખુણે સેટીંગ કરી લેતાં હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં જેટલા બાંધકામોને મંજૂરી આપવામાં આવી છે. તેની તપાસ કરવામાં આવે તો મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે.
શહેરમાં અનેક સ્થળોએ ટીપીઓ શાખાની મીઠી નજર હેઠળ જ ગેરકાયદે બાંધકામો ચાલી રહ્યાં છે. છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ટીપીઓ શાખામાં ભ્રષ્ટાચાર માટે લાંબા સમયથી એક જ જગ્યાએ ચિપકી રહેલા અને પેધી ગયેલા કર્મચારીઓ જવાબદાર હોવાનું તેમણે જણાવ્યું છે. 3 વર્ષ કરતાં વધુ સમયથી આ શાખામાં ફરજ બજાવતાં કર્મચારીઓને અન્ય શાખામાં બદલીઓ કરી ભ્રષ્ટાચાર અટકાવવાનો પ્રયાસ કરવાની માગણી કરવામાં આવી છે.