રાજય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ ચલાવવામાં આવી રહયો છે. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અરજદારો માટે સરકારની રોજબરોજની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમાં 2જી ઓકટોબરથી એક નવી સેવાનો ઉમેરો કરવામાં આવનાર છે. રાજ્યની દરેક ગ્રામ્ય પંચાયત કચેરીએથી આરટીઓને લગતી ઓનલાઇન કામગીરી કરવામાં આવનાર છે જેથી લોકોને જિલ્લાની આરટીઓ કચેરી સુધી ધક્કા ખાવા નહીં પડે.
આરટીઓની કામગીરી માટે લોકોને લાંબુ અંતર કાપીને છેક જિલ્લાકક્ષાએ આવવું પડે છે. ત્યારે આવા સંજાગોમાં રાજ્યના લોકોને ઘરબેઠા નજીકમાં જ આરટીઓની સેવા મળી રહે એ માટે ઇ ગ્રામ સેન્ટર ખાતે ડીજીટાઇઝ સેવા સેતુ શરુ કરવામાં આવનાર છે. રાજયના વાહન વ્યવહાર કમિશ્નર કચેરી દ્વારા દરેક જીલ્લાના સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીને 2જી ઓકટોબરથી આ સેવા ગ્રામ પંચાયતના ઇ ગ્રામ સેન્ટરેથી શરુ કરવા જણાવવામાં આવ્યું છે.
ગ્રામ પંચાયટ કચેરીએથી ડુપ્લીકેટ આરસી બુક-ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ, શિખાઉ લાયસન્સ અરજી કરાવવી, એપોઇમેન્ટ મેળવવી, હાઇપોથીકેશન રદ કરવું, ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુઅલ, આરસી બુક સંબંધીત માહીતી ઉપલબ્ધ કરાવવી, ડ્રાઇવીંગ લાયસન્સની માહિતી, ડ્રાઇવીંગ લાયસન્સ રીપ્લેસમેન્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ બેકલોગ તથા વાહન આરસીની બેકલોગની કામગીરી સહીત 10 કામગીરી કરવામાં આવશે. આ કામગીરી માટે નક્કી થયેલી ફીનું ચૂકવણું અરજદારે ઇ ગ્રામ સેન્ટર ખાતે કરવાનું રહેશે. બાકીની કામગીરી માટે અરજદારે ઇ ગ્રામ સેવા સેન્ટર ખાતેથી જરુરી આધા-પુરાવા અને ફી સાથે ઓનલાઇન અરજી કરી નિયત તારીખ મેળવી લેવાની રહેશે. રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયથી ગ્રામ પંચાયત કચેરીએ આરટીઓને લગતી ડીજીટાઇઝ સેવાઓ શરૂ થયે લોકોને હવે આરટીઓ કચેરી સુધી લાંબા નહી થવુ પડે.