દેશમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે એઇમ્સ ડિરેકટર ડૉ. ગુલેરિયાએ પોતાના એક સંદેશ દ્વારા લોકોમાં રાહતની લહેર પ્રસરાવી છે. ડો.રણદીપ ગુલેરિયાએ એક વિડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે, વર્તમાન ડેટા મુજબ, ઓમિક્રોન માઇલ્ડ ઇન્ફેક્શન જણાય છે. જેમાં ઓક્સિજનની જરૂરિયાત એટલી નથી હોતી.
પોતાના સંદેશમાં તેમણે વિનંતી કરી છે કે, લોકો ઓક્સિજન સિલિન્ડરો, દવાઓનો સંગ્રહ ન કરે. આપણું તંત્ર કેસોમાં કોઈપણ વધારાને મેનેજ કરવા માટે વધુ સારી રીતે તૈયાર છે. મોટા ભાગના લોકોમાં વેક્સિનથી અથવા સંક્રમણથી ઇમ્યુનીટિ આવી ગઈ છે. ગભરાવ નહિ, એલર્ટ રહો તેમણે જણાવ્યું છે કે, કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ વધારે સંક્રમિત જરૂર છે. પરંતુ ડેલ્ટા જેટલો ઘાતક નથી. ઓમિક્રોનના લક્ષણો પણ એકદમ હળવા છે. જેમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની ખૂબજ ઓછી જરૂર પડે છે. યોગ્ય દવાઓ અને સારવાર વડે ઘરે રહીને પણ આ સંક્રમણમાંથી સાજા થઇ શકાય છે. તેમણે કહ્યું કે, ઓછો ગંભીર છે. એનો મતલબ એ નહીં કે, આપણે ગંભીરતા છોડી દઇએ સાવચેતી અને કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપાલન આપણને આ વેરિએન્ટ સામે લડવામાં ખૂબજ સહાયતા કરી શકે તેમ છે.