જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીનો કહેર છેલ્લાં થોડાક સમયથી મહદઅંશે ઘટી ગયો છે તેમજ જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં મોટો ઘટાડો થવાથી માત્ર એકાદ કેસ જ નોંધાઇ છે જેના કારણે તંત્રએ રાહત અનુભવી છે.
હાલ કોરોનાની લહેર પૂર્ણ થઈ ગઈ હોય જેથી રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનમાં સુધારા કરી વધુ છૂટછાટો આપવામાં આવી રહી છે. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં એક મહિનાથી કોરોના કેસોની સંખ્યા નહીંવત જેટલી જ છે અને રાજ્ય સરકાર દ્વારા પણ વધુને વધુ છૂટછાટો આપવામાં આવી રહી છે તેમજ રાજ્યમાં માસ્કના દંડ કરવાની કામગીરી પણ મહદ અંશે બંધ કરી દેવામાં આવી છે. પરંતુ જામનગર શહેરમાં સીટી એ ડીવીઝન વિસ્તારમાં મંગળવારે મધ્યરાત્રિના સમયે પોલીસ દ્વારા માસ્કડ્રાઈવ અંતર્ગત માસ્ક ન પહેરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં અનેક તર્ક-વિર્તકો થઈ રહ્યા છે. કેમ કે, કોરોના મહામારીના કફર્યુમાંથી રાહત આપવામાં આવી છે પરંતુ માસ્કના દંડ વસૂલવાની બેવડી કામગીરી લોકોમાં ચર્ચાનો વિષય બની ગઇ છે.