જામનગર શહેર અને જિલ્લામાં મંગળવારે બપોરે 12 વાગ્યાથી બુધવારે બપોરે 12 વાગ્યા સુધીમા જોડિયામાં અઢી ઈંચ અને જામનગર, કાલાવડ, જામજોધપુર, ધ્રોલમાં અડધો-અડધો ઈંચ અને લાલપુરમાં સામાન્ય છાંટા પડયા હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ બાલંભામાં અઢી ઈંચ અને પડાણા તથા મોડપરમાં સવા બે – સવા બે ઈંચ વરસાદ પડયા બાદ જિલ્લામાં મેઘાના વિરામથી રાહત અનુભવાઈ હતી. જામનગરમાં વરસાદની ગંભીર પરિસ્થિતિને કારણે મ્યુ.કમિશનરે આજે મહાનગરપાલિકાના કંટ્રોલરૂમની વિઝીટ કરી હતી.
રેડ એલર્ટ ઝોનમાં જામનગર શહેર અને જિલ્લામાં મેઘસવારીએ 14 કલાકથી વિરામ લેતા રાહત અનભુવાઈ હતી. બુધવારે બપોરે 12 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના જોડિયામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. આ વર્ષે ચોમાસાના પ્રારંભથી જ જોડિયામાં સૌથી વધુ મેઘમહેર થઈ રહી છે અને અત્યાર સુધીમાં અન્ય તાલુકાઓની સરખામણીમાં જોડિયા તાલુકામાં બમણો વરસાદ વરસી ગયો છે. જોડિયામાં બુધવારે બપોરે 12વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ 620 મિ.મી. (25 ઈંચ) થયો છે તેમજ જામનગર શહેરમાં વધુ અડધો ઈંચ પાણી પડયું હતું. મોસમનો કુલ વરસાદ 371 મિ.મી. (15 ઈંચ) પાણી વરસી ગયું છે અને કાલાવડમાં વધુ પોણો ઈંચ વરસાદ વરસતા કુલ 419 મિ.મી. (17 ઈંચ) અને જામજોધપુરમાં અડધા ઈંચ સાથે 343 મિ.મી. (13.5 ઈંચ), ધ્રોલમાં ઝાપટાંરૂપે અડધો ઇંચ પાણી વરસતા મોસમનો કુલ વરસાદ 391 મિ.મી. (15.5 ઈંચ) અને લાલપુરમાં સામાન્ય ઝાપટુ વરસતા કુલ વરસાદ 220 મિ.મી. (9 ઈંચ) વરસાદ નોંધાયો છે.
ઉપરાંત પીએસસીના આંકડાઓ મુજબ જોડિયા તાલુકાના બાલંભામાંથી સૌથી વધુ અઢી ઈંચ અને હડિયાણા તથા પીઠડમાં સવા-સવા ઈંચ પાણી વરસ્યું હતું જ્યારે જામનગર તાલુકાના વસઇ, જામવણથલી અને દરેડમાં પોણા બે -પોણા બે ઈંચ પાણી પડયું હતું તથા ધુતારપુર, અલિયાબાડામાં સવા-સવા ઈંચ અને મોટી બાણુંગાર, લાખાબાવળ તથા ફલ્લામાં વધુ એક-એક ઈંચ પાણી પડયું હતું. ધ્રોલ તાલુકાના લતીપુરમાં એક અને જાલિયાદેવાણીમાં અડધો તથા લૈયારામાં જોરદાર ઝાપટું પડયું હતું.
લાલપુર તાલુકાના મોડપર અને પડાણામાં સવા બે – સવા બે ઈંચ તથા ડબાસંગ અને પીપરટોડામાં અડધો-અડધો ઈંચ તેમજ મોટા ખડબા અને ભણગોરમાં ઝાપટું પડયું હતું. કાલાવડ તાલુકાના મોટા વડાળામાં સવા ઈંચ પાણી વરસ્યું હતું જ્યારે ખરેડી અને મોટા પાંચદેવડામાં અડધો ઈંચ તથા નિકાવા, ભ.બેરાજા અને નવાગામમાં માત્ર ઝાપટાં નોંધાયા છે. જ્યારે જામજોધપુર તાલુકાના વાંસજાળિયા અને જામવાડીમાં અડધો-અડધો ઈંચ તથા સમાણા, ધ્રાફા, પરડવા, શેઠવડાળા, ધૂનડામાં જોરદાર ઝાપટાં વરસ્યા હતાં.
જામનગર શહેર અને જિલ્લામાં વરસી રહેલા મેઘરાજાને કારણે શહેરમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મ્યુ. કમિશનર વિજય ખરાડીએ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું અને કર્મચારીઓને એલર્ટની આ પરિસ્થિતિમાં સચેત રહેવાની સૂચના તથા કોઇપણ ફરિયાદ હોય તો તેનો નિકાલ તાત્કાલિક કરવાની તાકીદ કરી હતી.