ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે શાળાઓ શરુ થતા વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. અમદાવાદ અને સુરતની શાળાઓમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. દ્વારકા જીલ્લાની શાળામાં પણ એક વિદ્યાર્થી સંક્રમિત છે. રાજ્યમાં કુલ 35 વિદ્યાર્થીઓને કોરોનાનું સંક્રમણ લાગતા શાળાઓ બંધ કરવાની માંગ ઉઠી રહી છે. જેને લઇને શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તમામ સ્ટાફે વેક્સિનના બંન્ને ડોઝ લીધેલા હોવા જોઈએ. કોઇપણ વિદ્યાર્થીમાં સંક્રમણના લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે અને વિદ્યાર્થીમાં કોઈ પણ પ્રકારનો રોગ જણાય તો જીલ્લા શીક્ષણ અધિકારીઓને જાણ કરવાની રહેશે. અને કોઈ વિદ્યાર્થીના પરિવારમાં કે વિદ્યાર્થીઓમાં પણ કોઈ લક્ષણો જણાય તેઓ તેને શાળાએ ન મોકલવાની સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઓફલાઈન શિક્ષણ ચાલુ જ રહેશે અને સાથે સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે.
શાળાઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા શાળાઓ બંધ કરવાની વાતો વચ્ચે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બાળકો માટે સંવેદનશીલ છે. એમાં ખાસ વધારે અવેરનેસ રાખીને, સાવચેતી રાખીને ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય એ પ્રકારનો પત્ર મોકલાશે. આ સમયમાં સાવચેતીની આવશ્યકતા છે. ડરવાની જરૂર નથી. લડવાની જરૂર છે. આમ કોરોના કેસ વચ્ચે સ્કુલ બંધ રાખવાની માંગ ને જીતુ વાઘાણીએ આડકતરી રીતે ફગાવી હતી.