હાલારના બન્ને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આગામી 24 જૂલાઇ રવિવારે અતિ ભારે વરસાદનું રેડએલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના આ એલર્ટને પગલે બન્ને જિલ્લાના વહિવટીતંત્રો સજજ થયા છે. એનડીઆરફ અને એસડીઆરએફની ટુકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વરસાદના પ્રથમ રાઉન્ડમાં બન્ને જિલ્લાઓમાં ખૂબ સારો વરસાદ થયો હોય જળાશયોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થવા પામેલ છે. ત્યારે હવે જો અતિ ભારે વરસાદ થાય તો આ જળાશયો આફત સર્જી શકે તેમ હોય નીચાણવાળા વિસ્તારોને અત્યારથી જ સતર્ક કરી દેવામાં આવ્યા છે. ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ હવે બીજા રાઉન્ડમાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 23 જૂલાઇએ હાલારમાં ઓરેન્જ એલર્ટ અને 24 જૂલાઇએ રેડએલર્ટ આપવામાં આવ્યું છે. હાલાર ઉપરાંત કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.