Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયધારાસભ્ય પદ બચાવવા બળવાખોરો કોર્ટના શરણે : મહારાષ્ટ્રનો મામલો સુપ્રિમમાં

ધારાસભ્ય પદ બચાવવા બળવાખોરો કોર્ટના શરણે : મહારાષ્ટ્રનો મામલો સુપ્રિમમાં

- Advertisement -

મહારાષ્ટ્રનું રાજકીય સંકટ વધુને વધુ ગાઢ બની રહ્યું છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ બંડ પોકાર્યું ત્યાર બાદ જે રાજકીય ઉથલ-પાથલ શરૂ થઈ તે હવે કોર્ટમાં પહોંચી છે. હકીકતે વિધાનસભાના ઉપાધ્યક્ષે 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ પાઠવી ત્યાર બાદ શિંદે જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. પાર્ટી દ્વારા તેમને અયોગ્ય ઘોષિત કરવા માટે જે નોટિસ પાઠવવામાં આવી છે તેને પડકાર આપતી એક અરજી એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. ઉપરાંત અન્ય એક અરજીમાં વિધાનસભામાં શિવસેનાના ધારાસભ્ય દળના નેતા તથા ચીફ વ્હિપની નિયુક્તિઓમાં ફેરફારને પણ પડકાર આપવામાં આવ્યો છે. ટીમ શિંદે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને આજે સવારે 10:30 કલાકે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ અને રજિસ્ટ્રાર સામે અર્જન્ટ સુનાવણી માટે મેન્શન કરવામાં આવે તેવી શક્યતા છે. ઉપરાંત ટીમ શિંદે રવિવારે વધુ મજબૂત બની ગઈ હતી કારણ કે, શિવસેનાએ કોટાથી મંત્રી બનાવેલા 9મા ધારાસભ્ય ઉદય સામંત પણ બળવાખોરોની ટીમમાં સામેલ થઈ ગયા હતા.

- Advertisement -

રવિવારે તેમણે ગુવાહાટીની ફ્લાઈટ પકડી તેની તસવીરો પણ સામે આવી છે. ઉદય સામંત ટીમ શિંદેમાં જોડાઈ ગયા તે સાથે જ મહારાષ્ટ્રનો સત્તા સંગ્રામ વધુ ઉગ્ર બનતો જણાઈ રહ્યો છે. બળવાખોરો સામે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ એક્શન મોડમાં આવી ગયા છે. જાણવા મળ્યા મુજબ તેઓ બળવાખોર ધારાસભ્યો જે મંત્રીઓ પણ છે તેમનો પોર્ટફોલિયો છીનવી લેવાનો નિર્ધાર કરી લીધો છે.

જો ઉદ્ધવ ઠાકરે આ પગલું ભરશે તો બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે, ગુલાબરાવ પાટિલ, દાદા ભૂસે શિંદે, રાજ્ય મંત્રી અબ્દુલ સત્તાર તથા શંભૂરાજે દેસાઈ પોતાનું મંત્રીપદ ગુમાવી શકે છે. મહારાષ્ટ્રના વર્તમાન રાજકીય સમીકરણ પ્રમાણે એકનાથ શિંદેના જૂથ પાસે 2 વિકલ્પ જણાઈ રહ્યા છે. એક તો તેઓ ભાજપ સાથે વિલય કરી લે અથવા તો પછી પ્રહાર જનશક્તિ પાર્ટી સાથે. તે પાર્ટી બચ્ચૂ કડૂની છે અને તેઓ પહેલેથી જ બળવાખોરોના કેમ્પમાં સામેલ છે તથા ગુવાહાટીમાં અડીંગો જમાવીને બેઠા છે. શિંદે જૂથ આ અંગે વિચારણા કરવા માટે સતત બેઠકો કરી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular