Thursday, January 16, 2025
Homeરાજ્યહાલારબેટ દ્વારકાના ડિમોલીશન અંગે રેંજ આઈજી દ્વારા વિગતો અપાઈ

બેટ દ્વારકાના ડિમોલીશન અંગે રેંજ આઈજી દ્વારા વિગતો અપાઈ

ડિમોલીશન અવિરત વધુ 50 દબાોણ દૂર કરાયા: બુધવારે બેટના પાર વિસ્તારમાં દબાણો તોડી પડાયા

- Advertisement -

ઓખા મંડળના બેટ દ્વારકામાં છેલ્લા છ દિવસથી ચાલી રહેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં મંગળવારે બાલાપર, ઓખા અને દામજી જેટી વિગેરે વિસ્તારોમાં કરાયેલા સફાયા બાદ બુધવારે બેટના પાર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. ગઈકાલે સવારથી હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં રહેણાંક, કોમર્શિયલ સહિતના સ્ટ્રક્ચર દૂર કરાયા હતા. આશરે 14 હજાર ચોરસ મીટર આ ગેરકાયદેસર બાંધકામની અંદાજિત કિંમત રૂપિયા 5.68 કરોડ જેટલી આંકવામાં આવી છે.

- Advertisement -

જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ બુધવારે એક દિવસમાં બેટ દ્વારકા પંથકમાંથી 43 રહેણાંક, 2 કોમર્શિયલ અને 5 અન્ય સહિત 50 દબાણોને દૂર કરાવવામાં આવ્યા છે. અંદાજિત રૂપિયા 5.69 કરોડની 14,251 ચોરસ મીટર સરકારી જમીન પરનું અતિક્રમણ દૂર કરાવવામાં આવ્યું છે.

છેલ્લા પાંચ દિવસથી દ્વારકા અને જામનગર જિલ્લામાં અનધિકૃત દબાણ દૂર કરવાની ચાલી રહેલી કામગીરી સંદર્ભે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે હાલાર પંથકમાં વિશાળ દરિયા કિનારો આવેલો છે. ત્યારે અહીંના કોસ્ટલ એરિયાની સુરક્ષા માટે સરકાર દ્વારા મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સામુદ્રિક અને આંતરિક સુરક્ષા માટે અતિ સંવેદનશીલ મનાતા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કુલ 51 અલગ અલગ જગ્યાએ લેન્ડિંગ પોઇન્ટ છે. બંને જિલ્લામાં 35 જેટલા ટાપુઓ સાથેની દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સરકાર દ્વારા સઘન ઝુંબેશ આદરવામાં આવી છે. ટાપુનો વિસ્તાર સમગ્ર દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ હોય અને અહીં દુશ્મન દેશની સીમાઓ પણ લગત આવેલી હોય, આ વિસ્તારની સુરક્ષાનું મહત્વ વધી જાય છે.

- Advertisement -

જામનગર નજીકના પીરોટન ટાપુમાં બે દિવસ પૂર્વે 9 જેટલા ધાર્મિક દબાણો સરકાર દ્વારા દૂર કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 23 જેટલા ટાપુઓ ધરાવતા વિશાળ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગત તારીખ 11 મી થી અનધિકૃત દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જ્યાં તમામ ગેરકાયદેસર રહેણાંક અને ધાર્મિક દબાણો દૂર કરવા માટેની મેગા ડ્રાઈવ હાલ ચાલી રહી છે. જે મહત્વપૂર્ણ બની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના સમયમાં વર્ષોમાં દુશ્મન દેશો દ્વારા આ માર્ગેથી જ ડ્રગ્સ, હથિયાર વિગેરેની હેરાફેરી તેમજ ગેરકાયદેસર જાલી નોટો ઘુસાડવાના ષડયંત્ર પણ ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે અહીંના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે હાલ આ ઝુંબેશ મહત્વની બની રહી છે તેમ રેન્જ આઈ.જી.એ વધુમાં ઉમેર્યું હતું.

- Advertisement -

દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ઓખાના ચીફ ઓફિસર શુક્લા, ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ વિગેરેની આગેવાનીમાં શનિવારથી શરૂ થયેલું આ ડિમોલીશન આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું છે. તેમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાંચ દિવસની કામગીરીમાં કુલ 1 લાખથી વધુ ચોરસ મીટર સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે. જેમાં કાચા પાકા મકાનો, દુકાનો, ધર્મ સ્થળો વિગેરેનો સમાવેશ થાય છે. ઓપરેશન ડિમોલીશનના પગલે બેટ દ્વારકા વિસ્તારમાં કુલ રૂપિયા 54 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. અને અહીં તોડફોડ બાદ ઠેર ઠેર કોંક્રિટના ઢગલાઓ જોવા મળી રહ્યા છે.

પશ્ચિમ  સરહદી વિસ્તારના દરિયાકાંઠાના બેટ દ્વારકા વિસ્તારનો સંવેદનશીલ ભાગ આંતરરાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો હોય, અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે હાલની કામગીરી દરમિયાન સુદર્શન સેતુ તેમજ બજારો બંધ રાખવામાં આવી હતી. પરંતુ ગઈકાલથી જ બેટ દ્વારકા મંદિર, હનુમાન દાંડી, 84 ધુણા, વિગેરે ધર્મ સ્થળો યાત્રિકો માટે ખુલ્લા મુકી દેવામાં આવ્યા છે. ત્યારે સુદર્શન સેતુ સાથે બેટ દ્વારકા વિસ્તાર પુન: ધમધમતો થયો છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે અને પરિસ્થિતિ નિહાળી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular