જામનગર શહેરમાં ગઇકાલે ડૉકટર બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ શહેરના લાલ બંગલા સર્કલ પાસે આવેલ ડૉકટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા તેમજ દલિત સમાજ, બૌધ્ધ સમાજ સહિતના દ્વારા ફુલહાર અર્પણ કરાયા હતા. તેમજ કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિતે ગઇકાલે જામનગરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બૌધ્ધ સમાજ જામનગર તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ શોભાયાત્રા જૂના રેલવે સ્ટેશન મહાત્મા જયોતિબા ફુલેચોક થી પ્રારંભ થઇ હતી. જે ડો. આંબેડકર માર્ગ, મહાત્મા જયોતિબા ફુલે ચોક, જૂના રેલવે સ્ટેશનથી ત્રણબતી ચોક, બેડી ગેઇટ, રણજીત રોડ, ચાંદીબજાર, સેન્ટ્રલ બેંક, હવાઈ ચોક, પંચેશ્ર્વર ટાવર, વિભાજી સ્કુલ થઈ ડો. આંબેડકરની પ્રતિમા લાલ બંગલા પાસે વંદનાસભામાં પરિવર્તિત થઇ હતી. જયાં વંદના સભા યોજાઇ હતી. આ રેલીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપા પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના પણ ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણીમાં જોડાયા હતા. અને શહેરમાં લાલબંગલા સર્કલ ખાતે ઉપસ્થિત રહયા હતા. તેમજ આ ઉજવણીમાં જોડાઇ યુવાનો સાથે મળીને છાશ વિતરણ કર્યુ હતું.