જામનગર સહિત હાલાર પંથકમાં આજે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ એવા ‘રક્ષાબંધન’ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા જેલમાં કેદીભાઇઓએ બહેનોને રાખડી બાંધતા લાગણીસભર દ્રષ્યો સર્જાયા હતા.
View this post on Instagram
જામનગરમાં આજરોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ પોતાના ભાઇના કાંડે રક્ષાસૂત્ર બાંધી તેમના સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી. ભાઇઓએ પણ પોતાની બહેનને રક્ષાનું વચન આપ્યું હતું. જામનગરમાં જિલ્લા જેલ ખાતે પણ આજરોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા જેલમાં રહેલ કેદીભાઇઓને રાખડી બાંધવા બહેનો મોટી સંખ્યામાં જેલ ખાતે પહોંચી હતી. આ તકે બહેનો જેલમાં રહેલા કેદીભાઇઓને શાંતિપૂર્ણ રીતે રાખડી બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા પણ સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેલમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રક્ષાબંધનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન બહેનોએ કેદીભાઇઓને રાખડી બાંધતા જિલ્લા જેલ ખાતે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો પોતાના ભાઇઓને રાખડી બાંધે છે ત્યારે ભાઇ ગમે તેટલો ગરીબ હોય, બહેનને ખાલી હાથે મોકલતો નથી. ત્યારે આ પરંપરા જામનગર જિલ્લા જેલમાં પણ જળવાઇ હતી. જિલ્લા જેલ પ્રશાસન દ્વારા આ માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવી હતી. રાખડી બાંધવા આવેલી બહેનને ભાઇ ભેટ આપે અને પર્યાવરણની જાળવણી થાય તે માટે અનોખો પ્રયોગ કરતાં જેલ પ્રશાસન દ્વારા વૃક્ષોના રોપા તૈયાર રાખવામાં આવ્યા હતા. જે કેદીભાઇઓએ રાખડી બાંધનાર બહેનોને ભેટસ્વરૂપે આપ્યા હતા. તેનાથી ભેટ આપવાની પરંપરા પણ જળવાઇ હતી અને પર્યાવરણને પણ ફાયદો થશે.


