રાજયની અમદાવાદ સહિત 8 મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 311 કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી છે. ઉપરાંત જામનગરને ઐતિહાસિક ભૂજિયા કોઠોની મરામત માટે રૂ. 10 કરોડની વધારાની ગ્રાંટ પણ ચુકવવામાં આવી હોવાનું ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કુલ 312 કરોડ થાય છે,પણ 10 કરોડ આગવી ઓળખ હેઠળ જામનગરને ફાળવાયા છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના હેઠળ અમદાવાદ કોર્પોરેશનને રૂ. 115.25 કરોડ, સુરતને રૂ. 94.08 કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ. 35.26 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. 27.89 કરોડ, ભાવનગર મહાપાલિકાને રૂ. 13.02 કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ. 12.34 કરોડ, જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ. 6.47 કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. 6.65 કરોડ મળીને કુલ રૂ. 311 કરોડ ચુકવવામાં આવ્યા છે તેમ ચેરમેન ભંડેરીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મહાનગરપાલિકાઓને નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા ઉપરાંત નવા રોડ બનાવવા, માર્ગ પહોળા કરવા,ફુટપાથ બનાવવા સહિતના વિકાસના કામ માટે રકમ ફાળવાય છે. જામનગરમાં ભૂજિયા કોઠાની મરામત માટે રૂ. 10 કરોડ વધારાના ફાળવાયા હોવાનું મ્યુ.બોર્ડના ચેરમને ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું.