આગામી નાણાકીય વર્ષ 2021-22નું મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવુ રૂા. 2294.24 કરોડનું ચૂંટણીલક્ષી કરબોજ વિનાનું બજેટ સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર થયું. આ બજેટમાં વોર્ડ નં. 12માં ઇન્ડોર સ્ટેડિયમ, સોરઠીયા વાડી, 150 ફુટ રીંગ રોડ પર રાધે ક્રિષ્ના હોટલ પાસે તથા કોઠારીયા વિસ્તારમાં ખોખડદળ નદી પાસે બ્રીજ તથા પારડી રોડ પર ઓડીટોરીયમ, મહિલાઓ માટે ગાર્ડન, કોલ સેન્ટરમાં આમુલ પરિવર્તન સહિતની 22 નવી યોજનાઓમાં રૂા. 56.70 કરોડનો ઉમેરો કરવામાં આવ્યો છે. સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પુષ્કર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા બજેટને મંજુર કરી જનરલ બોર્ડની મંજુરી અર્થે રવાના કરાયુ હતુ. ત્યારબાદ પત્રકાર પરિષદમાં બજેટની વિસ્તૃત વિગતો રજૂ કરાઈ હતી.
સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા બજેટને મંજુર કરી જનરલ બોર્ડની મંજુરી અર્થે રવાના કરાયુ હતુ ત્યારબાદ પત્રકાર પરિષદમાં બજેટની વિસ્તૃત વિગતો રજૂ કરાઈ હતી. રાજકોટ શહેર ખરા અર્થમાં સ્માર્ટ સીટી બની રહે તેમજ દેશ વિશ્વના શ્રેષ્ઠ શહેરોની હરોળમાં સ્થાન પામે તેની કૂચમાં શહેરના છેવાડાના વિસ્તારો પણ સાથે જ રહે એ બાબતની વિશેષ કાળજી રાખવામાં આવેલ છે. સાથોસાથ આ વિસ્તારોમાં રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ, પાણી સહિતની મૂળભૂત સુવિધાઓનું માળખુ પણ વધુ મજબુત બને તે બાબતે પુરતુ લક્ષ્ય આપવામાં આવ્યું છે.
વર્ષ 2021-22 માટે રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં મ્યુનિસિપલ કમિશનરએ કુલ રૂ.2275 કરોડનું બજેટ સૂચવ્યુ હતુ. કમિશનરએ સૂચવેલા વિવિધ વિકાસકાર્યોના પ્રસ્તાવો પર સ્ટેન્ડિંગ કમિટીએ ઊંડાણપૂર્વકની ચર્ચાવિચારણા કરી, શહેરનો સર્વાંગી વિકાસ ધ્યાને રાખી, યથાયોગ્ય નિર્ણયો કર્યા છે.