જામનગરની બેન્કમાંથી ગોલ્ડ છોડાવી આપવાની લાલચ આપી રાજકોટના સોની યુવક સાથે રૂપિયા અઢાર લાખની છેતરપિંડીના બનાવમાં જામનગરની યુવતી અને રાજકોટના શખ્સ સહિત બે વિરૂઘ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભ હતી.
આ બનાવની મળતી વિગત મુજબ રાજકોટના નીલકંઠ પાર્ક, શેરી નંબર ત્રણમાં રહેતાં અને જ્વેલર્સનો વ્યવસાય કરતાં સાહિલ પરેશભાઇ પાલા (ઉ.વ.23) નામના વેપારી યુવકને રાજકોટના આલા નકુભા જાડફવા નામના શખ્સે સાહિલને વિશ્વાસમાં લઇ, મારી પુત્રીનું જામનગરની આઇઆઇએફએલ ફાઇનાન્સમાં સત્યાવીસ તોલા ગોલ્ડ પડેલું છે. તેમાંથી રૂપિયા અઢાર લાખનું ગોલ્ડ છોડાવી વેચવા માટે વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ આલા જાડફવા અને જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી સેજલબેન સંજયભાઇ રાયચુરા બન્ને પિતા-પુત્રી ન હોવા છતાં સોની વેપારીને લલચાવી-ફોસલાવી સોનું વેંચવાના બહાને રૂા. 18,06,000 યુવતીના જામનગરના ખોડિયાર કોલોનીની એસબીઆઇ બેન્કમાં ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. ત્યારબાદ વેપારી દ્વારા અવારનવાર સોનાની માંગણી કરવામાં આવી હોવા છતાં બન્નેએ સોનુ આપવા માટે આનાકાની અને ગલ્લાતલ્લા કરતા આખરે વેપારીએ સાહિલએ જામનગરના સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આલા જાડફવા અને સેજલ રાયચુરા નામના બે વ્યક્તિઓ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ વી. એ. પરમાર તથા સ્ટાફે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


