મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર દૂર કરવાની માગણીને લઈ નવું અલ્ટિમેટમ બહાર પાડ્યું છે. ખગજ પ્રમુખ રાજ ઠાકરેએ ફરી એક વખત મસ્જિદો પર લાગેલા લાઉડ સ્પીકર દૂર કરવાની માગણી દોહરાવી હતી.
મંગળવારે થાણે ખાતે આયોજિત સભામાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે, હું રાજ્ય સરકારને સ્પષ્ટપણે કહેવા માગું છું કે, હું આ મુદ્દે પીછેહટ નહીં કરૂં. તમારે જે કરવું હોય તે કરો. વધુમાં કહ્યું હતું કે, એવો કયો ધર્મ છે જે બીજા ધર્મને તકલીફ આપે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવી લેવાય તો આમને શા માટે નથી દેખાઈ રહ્યું? મત માટે.
ઠાકરેએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે, જો 3 મે સુધીમાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર નહીં હટાવવામાં આવે તો દેશભરમાં મસ્જિદ સામે હનુમાન ચાલીસા વાગશે. ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, 3 મેના રોજ ઈદ છે. આગળ કહ્યું કે, અમે હોમ ડિપાર્ટમેન્ટને કહેવા માગીએ છીએ કે, અમને તોફાનો નથી જોઈતા. 3 મે સુધીમાં તમામ મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવી લેવાય. અમારી તરફથી કોઈ તકલીફ નહીં આપવામાં આવે. આ સાથે જ રાજ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ દેશમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાની પણ માગણી કરી હતી. ઉપરાંત દેશમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગુ કરવાની જરૂરિયાત પણ દર્શાવી હતી.