- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી માવઠાનું જોર રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારથી જિલ્લામાં પલટાયેલા વાતાવરણ વચ્ચે ગઈકાલે દિવસ દરમિયાન હળવા છાંટા બાદ બપોરના સૂર્યનારાયણના દર્શન થયા હતા અને મોડી સાંજ સુધી મહદ અંશે વાતાવરણ ખુલ્લું રહ્યું હતું. ત્યાર બાદ પુનઃ વાદળોની જમાવટ થતાં આજે સવારે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
આ કમોસમી માવઠાને કારણે આજે સવારે ખંભાળિયામાં 13 મિલીમીટર અને કલ્યાણપુર તાલુકામાં નોંધપાત્ર 36 મિલીમીટર વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત આજે સવારે ભાણવડ પંથકમાં પણ વરસાદના જોરદાર ઝાપટા વરસ્યા હતા. આજના આ કમોસમી અને મુશળધાર વરસાદના પગલે માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા અને વાતાવરણ ટાઢું બોળ થયું હતું.
આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં 40 અને ખંભાળિયા તાલુકામાં 15 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે ભાણવડ તાલુકામાં ત્રણ અને દ્વારકા તાલુકામાં બે મી.મી. વરસાદ નોંધાયો હતો.
સવારના ધોધમાર વરસાદી માવઠા બાદ વાતાવરણ ખુલ્લુ બન્યું હતું અને સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા. આ કમોસમી માવઠાને કારણે શિયાળુ પાકને નુકશાની થવાની ભીતિ સાથે ધરતીપુત્રોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
- Advertisement -