જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ આજ સવારથી મેઘરાજાએ ફરીથી દેધનાધન વરસાદ વરસાવ્યો છે. જેમાં સાંજના 6 સુધીના આંકડા મુજબ જામનગર શહેરમાં 3 ઇંચ, વરસાદ વરસ્યો છે અને કાલાવડ તથા ધ્રોલમાં દોઢ-દોઢ ઇંચ વધુ પાણી વરસ્યું હતું. જયારે જામજોધુપર અને જોડિયામાં સવા-સવા ઇંચ વરસાદ પડયો છે.
હવામાન વિભાગ દ્વારા સપ્તાહ દરમ્યાન જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને આ આગાહી મુજબ આજે સવારથી જ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફરીથી મેઘસવારી આવી પહોંચી હતી. જામનગર શહેર અને જિલ્લામાં સવારે 6 વાગ્યાથી આજે સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાક દરમ્યાન સૌથી વધુ વરસાદ જામનગર શહેરમાં 3 ઇંચ વરસાદ વરસતા શહેરના એનક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાં અને કાલાવડ તથા ધ્રોલમાં વધુ દોઢ-દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ જોડિયા અને જામજોધપુરમાં વધુ સવા-સવા ઇંચ પાણી પડયું છે.
ઉપરાંત સમગ્ર જિલ્લામાં વરસી રહેલાં વરસાદને કારણે જિલ્લાના અનેક ડેમોમાં નવાનીરની આવક શરૂ થઇ ગઇ હતી. જેના કારણે જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે આવેલાં આજી-4 ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવતાં બાલંભા, રણજીતપર, હિરાપર, મોરાણા, તારાણા, માધાપર, સામપર, જામસર, માણામોરા અને ભીમકટા તથા ધ્રોલ તાલુકાના મજોઠ ગામ નજીક આવેલાં ઉંડ-2 ડેમમાં ઉપરવાસના પાણીની આવક ચાલુ થવાથી ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલાયા : જેના કારણે ધ્રોલ તાલુકાના મજોઠ અને જોડિયા તાલુકાના આણંદા, કુન્નડ, ભાદરા, બાદનપર, જોડિયાના ગ્રામજનોને તેમજ પડઘરી તાલુકાના ખજુરડી ગામ પાસેના આજી-3 ડેમમાં ઉપરવાસના પાણીની આવક થવાથી 5 દરવાજા અઢી ફુટ ખોલાયા, જોડિયા તાલુકાના બોડકા, જશાપર, જીરાગઢ, મેઘપર, પીઠળ, રસનાળ, ટીંબળી તથા ધ્રોલ તાલુકાના મોડપર, ધરંમપુર, સગાડીયા, સુધાધુના અને દેડકદડના ગ્રામજનોને નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા તંત્ર દ્વારા અપીલ કરી ચેતવણી આપવામાં આવી છે.
જામનગર શહેર અને જિલ્લામાં ફરી દે…ધના…ધન…
કાલાવડ અને ધ્રોલમાં દોઢ-દોઢ ઇંચ, જામજોધપુર અને જોડિયામાં સવા-સવા ઇંચ : આજી 3 અને 4 ડેમ તથા ઉંડ 2 ડેમના પાટીયા ખોલાયા : આ ડેમો હેઠળના આવતાં ગામના લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ