જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકના ગાળા દરમિયાન અડધા ઇંચથી માંડી સવા છ ઇંચ વરસાદ વરસ્યો છે. આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાકના ગાળા દરમિયાન સૌથી વધુ સવા છ ઇંચ વરસાદ જોડીયામાં નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો દોઢ ઇંચ વરસાદ લાલપુર તાલુકા મથકે નોંધાયો છે. સચરાસર વરસાદના કારણે કાલાવડમાં આવેલ ઉંડ ત્રણ ડેમ ઓવરફલો થઈ ગયો છે. જામનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.
ગઇકાલ સવાર 06:00 વાગ્યાથી માંડીને આજે વહેલી સવારના છ વાગ્યા સુધીના 24 કલાકના ગાળા દરમિયાન પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જોડિયા પંથકમાં સાંબેલા ધારે સવા છ ઇંચ વરસાદ પડી ગયો છે. જેના કારણે તાલુકામાં મથકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જ્યારે કેશીયા ગામે એક કાચું મકાન પડી ગયું હતું. જો કે કોઈ જાનહાની કે ઇજા થવા પામી ન હતી. બીજી તરફ ભારે વરસાદને લઈને નદીનાળા બે કાંઠે થયા હતા.
જ્યારે જામજોધપુરમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે સીદસર ખાતે આવેલ ઉમિયા સાગર ડેમનો એક દરવાજો ખોલવો પડ્યો હતા.
જ્યારે કાલાવડ તાલુકા મથકે પણ પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અમુક ગામોમાં પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું હતું. તો બીજી તરફ જામનગર શહેરમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગ્રામ્ય પંથકમાં બેથી ચાર ઇંચ જ વરસાદ પડી ગયો હોવાના સમાચાર છે. જેને લઈને મોટી બાણુગાર અને ચંદ્રગા ગામે નદીઓ બે કાંઠે થઈ હતી. તો ધ્રોલમાં પણ પોણા બે ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે લાલપુરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
સચરાચાર વરસાદના કારણે જિલ્લામાં આવેલા 25 પૈકીના 7 ડેમમાં નવા નીરની આવક થઈ હતી. જેમાંનો કાલાવડ પંથકમાં આવેલ ઊંડા ત્રણ ડેમ ઓવર ફ્લો થયો હતો. જ્યારે ફોફળ બે ડેમ 90 ટકા ભરાઈ જતા છલકાઈ જવાની તૈયારીમાં છે.
જામનગર જિલ્લામાં આજે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લાં 24 કલાક દરમિયાન કાલાવડમાં 66 મિ.મી. (કુલ 313 મિ.મી.) પડયો છે અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નવાગામ, મોટા પાંચદેવડા, મોટા વડાળા, ખરેડી, નિકાવામાં બે-બે ઈંચ અને ભ.બેરાજામાં એક ઈંચ, જામજોધપુરમાં 91 મિ.મી. (કુલ 311 મિ.મી.) પડયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ ધ્રાફામાં પોણા પાંચ ઈંચ, સમાણા, શેઠવડાળામાં ચાર-ચાર ઈંચ, વાંસજાળિયા, પરડવામાં સાડા ત્રણ – સાડા ત્રણ ઈંચ, જામવાડીમાં અઢી અને ધુનડામાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં 52 મિ.મી. (કુલ 213 મિ.મી.) વરસાદ પડયો છે. જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી બાણુંગારમાં ચાર ઈંચ, ફલ્લામાં ત્રણ ઈંચ, દરેડમાં બે ઈંચ, અલિયાબાડામાં દોઢ ઇંચ, વસઈ-લાખાબાવળ-ધુતારપરમાં એક-એક ઈંચ, જામવણથલીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
જોડિયામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં 24 કલાક દરમિયાન છ ઈંચ એટલે 159 મિ.મી. (કુલ 353 મિ.મી.) વરસાદ પડયો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હડિયાણામાં પોણા ત્રણ ઈંચ, બાલંભામાં સવા બે ઈંચ, પીઠડમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ધ્રોલમાં 44 મિ.મી.(કુલ 210 મિ.મી.) પાણી પડયું છે. ગ્રામ્ય વિસ્તારમાં લતીપરમાં સવા ઈંચ, જાલિયાદેવાણીમાં પોણો અને લૈયારામાં અડધો ઈંચ પાણી પડયું હતું. લાલપુરમાં 37 મિ.મી. (કુલ 171 મિ.મી.) વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડાણામાં ચાર ઈંચ અને મોડપરમાં અઢી ઈંચ, ભણગોરમાં પોણા બે ઇંચ પાણી વરસ્યું હતું તથા મોટા ખડબા અને ડબાસંગમાં સવા સવા ઈંચ, પીપરટોડામાં એક ઈંચ પાણી પડયું છે.