દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડા સમયે વરસી ગયેલા નોંધપાત્ર વરસાદ પછીના વિરામ બાદ આજરોજ વિધિવત રીતે ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો અને અનેક વિસ્તારોમાં ભારે ઝાપટા વરસી જતા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા.
ખંભાળિયા પંથકમાં છેલ્લા બે દિવસથી અસહ્ય બફારા અને ગરમીભર્યા માહોલ પછી આજે વહેલી સવારે ખંભાળિયા તાલુકામાં ઘટાટોપ મેઘાવી માહોલ છવાયો હતો અને મુશળધાર વરસાદ વરસ્યો હતો. જુદા જુદા વિસ્તારોમાં વરસેલા આ ઝાપટાથી માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. આજે સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થયા ન હતા અને નોંધપાત્ર વરસાદ ના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે સરકારી ચોપડે આશ્ચર્યજનક માત્ર એક મીલીમીટર જ વરસાદ નોંધાયો છે.
આ સાથે આજે ભાણવડ તાલુકામાં 21 મિલીમીટર વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે કલ્યાણપુરમાં હળવા ઝાપટા રૂપે માત્ર બે મીલીમીટર અને દ્વારકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી.
આજે સવારે 10 વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં 393 મિલીમીટર, દ્વારકા તાલુકામાં 316 મિલીમીટર, કલ્યાણપુર તાલુકામાં 238 મિલી મીટર અને ભાણવડ તાલુકામાં 198 મીલીમીટર વરસાદ નોંધાયો છે. વાવણી કરી ચૂકેલા ખેડૂતો માટે આ વરસાદ કાચા સોના રૂપ મનાય છે.