જામનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં મોસમનો પ્રથમ વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. અમુક તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ પછી બીજો રાઉન્ડ પડ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન જામજોધપુરમાં 1 ઇંચ અને ગ્રામ્ય પંથકમાં કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજામાં અઢી ઇંચ અને ધ્રાફામાં દોઢ ઇંચ તથા નવાગામાં સવા ઇંચ વરસાદ પડ્યાના અહેવાલ છે.
આ વર્ષે ચોમાસાની સિઝનની શરૂઆત દર વર્ષ કરતા મોડી શરૂ થઇ હતી અને વરસાદના પ્રથમ રાઉન્ડમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ વરસ્યો હતો. પ્રથમ વરસાદ પછી મેઘરાજાએ વિરામ રાખતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ હવે વરસાદી માહોલ સર્જાતા રાહત અનુભવાય હતી. છેલ્લાં 24 કલાકના આંકડાઓ ઉપર નજર કરીએ તો રવિવારે સાંજે 4 થી 6 દરમિયાન જામજોધપુર ગામમાં ધીમીધારે 1 ઇંચ (29મી.મી.) પાણી વરસ્યું હતું. જ્યારે શનિવારે સાંજે કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ નવાગામમાં 1 ઇંચ પાણી પડ્યું હતું તથા કાલાવડમાં પોણો ઇંચ અને જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત જામજોધપુર પંથકના ધ્રાફા ગામમાં દોઢ ઇંચ પાણી પડ્યું હતું. જ્યારે સમાણા અને શેઠવડાળામાં એક-એક ઇંચ તથા જામવાડી, ધુનડા, પરડવા, મોટાખડબામાં જોરદાર ઝાપટા વરસ્યા હતા.
રવિવારે સાંજે જામજોધપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો
કાલાવડ અને જામજોધપુર પંથકમાં સામાન્ય ઝાપટાથી અઢી ઇંચ પાણી વરસ્યુ