હવામાન વિભાગે આજે દેશના અનેક રાજયોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જયારે મુંબઈમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. મુંબઈમાં આજે વહેલી સવારે 2 ઈંચ જેટલો વરસાદ પડયો હતો. દેશના મોટાભાગના રાજયોમાં વરસાદનો દોર શરુ થઈ ગયો છે. મુંબઈમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. અહીં રવિવારે સીઝનનો પહેલો ભારે વરસાદ થયો હતો. જયારે સોમવારે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગના અનુસાર આજે પણ મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે. મુંબઈ અને થાણે આજે ભારે વરસાદ માટે ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમ્યાન દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, સુરત, નવસારી, ઉમરગામા વગેરે વિસ્તારોમાં ગઇકાલે બપોર બાદ ભારે વરસાદ વરસ્યો હતો. જેણે કારણે દક્ષિણ ગુજરાતમાં કેટલીક નદીઓમાં પૂર આવ્યા હતા. તો સુરતની તાપી નદીમાં પણ નવા નીરની આવક થવા પામી હતી. ગઇકાલે ઉમરગામમાં સાંબેલાધાર 9 ઇંચ વરસાદ ખાબકયો હતો. જયારે વલસાડમાં 4, વાપીમાં 4, પારડીમાં 3ાા, ગરૂડેશ્વરમાં 4, તિલકવાડામાં 3 ઇંચ, સૌરાષ્ટ્રમાં બોટાદનાં બરવાળામાં 2, ચોટીલા, સાવરકુંડલા પંથકમાં 1, પડધરીમાં 1 અને મુળીમાં 0ાા ઇંચ વરસાદ વરસ્યો હતો.