રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હોળી પ્રાગટય સમયે જ મેઘરાજાએ મોરચો માંડયો હતો. રાજકોટ, અમદાવાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ સહિતના વિસ્તારોમાં રાત્રે કમોસમી વરસાદ વરસતાં હોળી આયોજકો દ્વારા હોળીને તાલપત્રી અને પ્લાસ્ટિકની મદદથી ઢાંકવાની ફરજ પડી હતી. તો કેટલાંક સ્થળોએ આયોજનો રદ્ કરવામાં આવ્યા હતાં. રાજકોટમાં રાત્રે 10 વાગ્યા સુધી વરસાદ ચાલુ રહેતાં લોકોએ વરસાતા વરસાદે હોળી પ્રજ્જવલિત કરી પ્રદક્ષિણા કરી હતી. હોળીના દિવસે વરસાદ આવે તેને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અશુભ માનવામાં આવે છે.
ગઇકાલે રાજ્યના 56થી વધુ તાલુકાઓમાં ગાજવિજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે પણ વિસાવદર આસપાસના વિસ્તારોમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ થતાં ભરઉનાળે નદીઓ અને વોકળા વહેતા થયા હતાં. શેત્રુજ્ય નદીમાં તો નવું પાણી આવ્યું હતું. મધ્યગુજરાતના અમદાવાદ, વડોદરા, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, વાપી સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કેરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં હજૂ બે દિવસ કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.