Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયામાં વિજળીના કડાકા-ભડાકા સાથે સવા ઈંચ વરસાદ

ખંભાળિયામાં વિજળીના કડાકા-ભડાકા સાથે સવા ઈંચ વરસાદ

કાલાવડમાં પોણો ઈંચ, જોડિયા-લાલપુર-દ્વારકામાં અડધો ઈંચ : જામનગર શહેરમાં જોરદાર ઝાપટું

- Advertisement -

સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં હળવો તથા ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલે રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા અને મુકામ રહ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગત રાત્રે એકાદ કલાકમાં ધોધમાર સવા ઈંચ જેટલો વરસાદ જવા પામ્યો હતો. જામનગર જિલ્લામાં ગત રાત્રિના વીજળીના કડાકા-ભડાકા સાથે કાલાવડમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જામનગર શહેરમાં જોરદાર ઝાપટું પડતાં શહેરના માર્ગો ભીના થઈ ગયા હતાં.

- Advertisement -

ખંભાળિયા પંથકમાં છેલ્લા દિવસોમાં બફારા અને ગરમીભર્યા માહોલ વચ્ચે ગઈકાલે રાત્રે દસેક વાગ્યાથી મેઘરાજાના મંડાણ થયા હતા અને વીજળીના ભયાવહ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે સતત એકાદ કલાક સુધી હળવા તથા ભારે ઝાપટા રૂપે વરસતા 32 મિલીમીટર વરસાદ વરસી ગયો હતો.

ગતરાત્રિના જાણે ઘેરો અષાઢી માહોલ સર્જાયો હોય તેમ વીજળીના કડાકાથી લોકો ભયભીત બની ગયા હતા. વાઝડી જેવા આ વરસાદના કારણે શહેરમાં લાંબો સમય પુરવઠો ખોરવાઈ જતા ગરમીમાં લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.
જો કે ત્યારબાદ મેઘરાજાએ વિરામ રાખ્યો હતો અને આજે સવારે પણ ઉઘાડ સાથે સૂર્યનારાયણના દર્શન થયા હતા. ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ હોવાના વાવડ છે. આ વરસાદ ખેતર તથા પાક માટે ફાયદારૂપ માનવામાં આવે છે. આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ સાડા 45 ઈંચ વરસી જવા પામ્યો છે.

- Advertisement -

આ સાથે દ્વારકા તાલુકામાં પણ ગતરાત્રિના બારેક વાગ્યાથી ભારે ઝાપટાં રૂપે અડધો ઈંચ (12 મિલીમીટર) પાણી વરસી ગયું હતું. આથી દ્વારકા તાલુકાનો કુલ વરસાદ 30 ઈંચથી વધુ નોંધાયો છે. આ ઉપરાંત ગતરાત્રિના કલ્યાણપુર તાલુકામાં છ મિલીમીટર અને ભાણવડ તાલુકામાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ખંભાળિયા તાલુકાનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 140 ટકા, દ્વારકા તાલુકાનો 143 ટકા, કલ્યાણપુર તાલુકાનો 90 ટકા અને ભાણવડ તાલુકાનો 73 ટકા નોંધાયો છે.

લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ હતી. ગુરૂવારે રાત્રિના સમયે સૌરાષ્ટ્રભરમાં વરસાદ પડયાના અહેવાલ છે. જામનગર જિલ્લામાં પણ ફરી મેઘસવારી આવી પહોંચી હતી અને કાલાવડમાં પોણો ઈંચ પાણી પડયું હતું. જ્યારે જોડિયા અને લાલપુરમાં અડધો-અડધો ઈંચ ઝાપટાંરૂપે વરસાદ વરસ્યો હતો. તેમજ જામનગર શહેરમાં રાત્રિના સમયે વીજળીના ચમકારા સાથે જોરદાર ઝાપટું વરસતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં અને ધ્રોલમાં સામાન્ય ઝાપટાંરૂપે 6 મિ.મી. વરસાદ નોંધાયો હતો તેમજ જામજોધપુર તાલુકો કોરો ધાકોડ રહ્યો હતો. જોડિયા તાલુકાના બાલંભામાં પોણો ઈંચ અને નિકાવા, જાલિયાદેવાણી, મોટા વડાળા, ભ.બેરાજા, પડાણા અને મોટા ખડબામાં અડધો-અડધો ઈંચ પાણી વરસ્યું હતું તથા લાખાબાવળ, વસઈ, મોટી બાણુંગાર, ફલ્લા, દરેડ, લૈયારા, ખરેડી, નવાગામ, મોટા પાંચદેવડા, સમાણા, ધુનડા, પીપરટોડા, ભણગોર, મોડપર, ડબાસંગમાં સામાન્ય છાંટા પડયા હતાં.

- Advertisement -

આજે સવાર સુધીના આંકડા મુજબ, જામનગરમાં મોસમનો કુલ વરસાદ 575 મિ.મી., કાલાવડ 596 મિ.મી., ધ્રોલ 647 મિ.મી., જોડિયા 866 મિ.મી., લાલપુર 436 મિ.મી., જામજોધપુર 585 મિ.મી.નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular