Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતઉત્તર ગુજરાત તરબતર, સૌરાષ્ટ્રમાં ઝાપટા

ઉત્તર ગુજરાત તરબતર, સૌરાષ્ટ્રમાં ઝાપટા

રાજયમાં 232 તાલુકામાં બીજા રાઉન્ડનો વરસાદ : બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 6 ઇંચ : હજુ બે દિવસ ભારે વરસાદની સંભાવના

- Advertisement -

ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાનો રાઉન્ડ શરૂ થયો હોય તેમ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. આવતા ત્રણેક દિવસ હજુ મેઘસવારી ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રમાં સામાન્ય ઝાપટા જ વરસ્યા હતા જ્યારે ગુજરાતનાં બાકીના ભાગોમાં રેલમછેલ જોવા મળી હતી.

- Advertisement -

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 232 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ છ ઇંચ વરસાદ બનાસકાંઠાના થરાદમાં નોંધાયો હતો. 24 કલાક દરમિયાન સરેરાશ 19.38 મીમી પાણી વરસ્યું હતું અને તે સાથે સિઝનનો કુલ વરસાદ 66.06 ટકા થઇ ગયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 116.30 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં 80.47 ટકા, સૌરાષ્ટ્રમાં 60.69 ટકા, મધ્ય ગુજરાતમાં 56.34 ટકા તથા ઉતર ગુજરાતમાં 46.82 ટકા વરસાદ નોંધાયો છે.

રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે કચ્છ અને ઉતર ગુજરાતમાં વરસાદનું જોર વધુ માલુમ પડ્યું હતું અને સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. કચ્છના અંજાર, ભચાઉ, ભુજમાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે લખપત અને રાપરમાં એક થી સવા ઇંચ વરસાદ પડ્યો હતો. અન્ય તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ હતો.

- Advertisement -

ઉતર ગુજરાતના બનાસકાઠામાં રેલમછેલ હોય તેમ થરાદમાં છ ઇંચ વરસાદ લખનીમાં ચાર ઇંચ, વડગામ, પાલનપુર, દાંતામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ થયો હતો. જિલ્લાના તમામ તાલુકામાં દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર તથા પાટણમાં પણ સાર્વત્રિક બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વધુ એક ઇંચ પાણી વરસ્યું હતું. ખેડામાં ધોધમાર વરસાદ હોય તેમ કઠલાલમાં સાડા ત્રણ ઇંચ તથા મહેદાબાદમાં ત્રણ ઇંચ પાણી વરસ્યું હતું. નિચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. વડોદરા શહેરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ સહિતના તમામ જિલ્લાઓમાં હળવો-ભારે વરસાદ થયો હતો.

દક્ષિણ ગુજરાતમાં પણ તમામ તાલુકાઓમાં હળવો-ભારે બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના કપરાડા તથા ડાંગના આહવામાં બે-બે ઇંચ પાણી વરસ્યું હતું. અન્યત્ર સાર્વત્રિક બે ઇંચ સુધીનો વરસાદ હતો. સૌરાષ્ટ્રને બાદ કરતાં ગુજરાતના અન્ય તમામ ભાગોમાં સાર્વત્રિક હળવો-ભારે વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં માત્ર હળવા-ભારે ઝાપટા જ પડ્યા હતા અને એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. ખંભાળિયા તથા ધ્રાંગધ્રામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

- Advertisement -

ગુજરાતમાં હજુ ત્રણેક દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 561.58 મીમી પાણી વરસી ગયું છે. ત્રણ તાલુકામાં અત્યાર સુધીમાં 2 થી 5 ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે 39 તાલુકામાં 5 થી 10 ઇંચ, 107 તાલુકામાં 10થી 20 ઇંચ, 74 તાલુકામાં 20 થી 40 ઇંચ અને 28 તાલુકામાં 40 ઇંચથી પણ વધુ વરસાદ થયો છે. જુલાઈ મહિનાનો જ અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ 20 ઇંચને આંબી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular