ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી મુજબ જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા સતત વરસી રહ્યાં છે. તેમાં પણ ખાસ કરીને જોડિયા પંથકમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. આજ બપોરે 12 વાગ્યા સુધીના આંકડાઓ મુજબ આઠ ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે કાલાવડ તાલુકાના ખરેડી ગામાં ધોધમાર સાડા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. જોડિયા પંથકમાં અનરાધાર વરસાદથી કેશિયા ગામમાં એક કાચુ મકાન ધરાશાયી થયું હતું. જો કે સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી. કાલાવડ પંથકના નાના વડાળામાં સ્કૂલ બસ પાણીમાં ફસાઈ જતાં ફાયરના જવાનો દ્વારા નવ વિદ્યાર્થી અને બે શિક્ષીકાને હેમખેમ બચાવી લીધા હતાં.
ચોમાસાની શરૂઆત થયા બાદ ચાલુ સપ્તાહ દરમિયાન જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આ આગાહી મુજબ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગાહી સંદર્ભે જાનહાની અને નુકસાન ન થાય તે માટે જિલ્લા કલેકટર સૌરભ પારઘી દ્વારા જનતાને સાવચેત રહેવા અને કોઇપણ ઘટના કે બનાવની જાણ કલેકટર કંટ્રોલમાં કરવા અપીલ કરવામાં આવી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 30 કલાકથી મેઘમહેર થઈ રહી છે અને આ મેઘમહેરમાં જિલ્લાના જોડિયા પંથકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં નોંધાયેલા આંકડા મુજબ, જોડિયામાં આઠ ઈંચ (કુલ 279 મિ.મી.) પાણી વરસી ગયું છે. જ્યારે તાલુકાના બાલંભામાં વધુ ચાર ઈંચ અને પીઠડમાં બે તથા હડિયાણામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. જોડિયા પંથકમાં પડેલા વરસાદને કારણે કેશિયા ગામમાં આવેલું એક કાચુ મકાન ધરાશાયી થયું હતું. જો કે સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી. જ્યારે ધ્રોલમાં વધુ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો અને તાલુકામાં લતીપુરમાં બે ઈંચ, જાલિયાદેવાણીમાં અડધો ઈંચ અને લૈયારામાં સામાન્ય ઝાપટું પડયું હતું તેમજ કાલાવડમાં સવા બે ઈંચ પાણી પડયું હતું. જ્યારે તાલુકા વિસ્તારોમાં ખરેડી ગામમાં ધોધમાર સાડા પાંચ ઈંચ વરસાદ વરસતા ગામના ખેતરોમાં પાણી પાણી થઈ ગયું હતું અને માર્ગો પર પણ પાણી ફળી વળ્યાં હતાં અને મોટા વડાળામાં ધોધમાર ચાર ઈંચ અને મોટા પાંચદેવડામાં બે ઈંચ વરસાદ પડયો હતો જયારે નિકાવા, ભ.બેરાજા, નવાગામમાં એક-એક ઈંચ પાણી પડયું હતું.કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં ગુરૂવારે બપોરના 1:30 વાગ્યાના અરસામાં વરસાદ ચાલુ હતા તે દરમિયાન એક ખાનગી સ્કૂલની બસમાં 9 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોને લઈને બસનો ચાલક કોજવે પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક મોટો ખાડો આવતાં બસ પલ્ટી ખાઈ ગઈ હતી. જેથી બસમાં પાણી ઘૂસવા લાગતા વિદ્યાર્થીઓએ ચીસાચીસ કરી મૂકી હતી. આ અંગેની જાણ થતાં કાલાવડની ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ વગેરે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાલાવડની પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સ્કૂલ બસમાંથી તમામ નવ વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષકો અને બસના ડ્રાઇવર વગેરેને સહી સલામત રીતે બહાર કાઢી લેતાં હાશકારો અનુભવાયો હતો. જામનગર શહેરમાં છેલ્લાં 30 કલાકથી મેઘાવી માહોલ બની ગયું છે અને સતત ઝરમર ઝરમર છાંટા તથા વચ્ચે વચ્ચે જોરદાર ઝાપટાંરૂપે મેઘરાજા વરસી રહ્યા છે. જામનગર શહેરમાં વધુ દોઢ ઈંચ જેટલું પાણી વરસી ગયું છે. શહેરમાં પડેલા વરસાદને કારણે કાશ્મીર જેવી ઠંડક અનુભવાઈ છે. તાલુકાના આંકડાઓમાં ધુતારપુરમાં ધોધમાર બે ઈંચ, જામવણથલીમાં પોણા બે ઈંચ અને ફલ્લામાં વધુ એક ઈંચ તથા મોટી બાણુંગાર, અલિયાબાડામાં અડધો-અડધો ઈંચ તેમજ દરેડ અને વસઇમાં સામાન્ય ઝાપટાં પડયા હતાં.
જામજોધપુરમાં દોઢ ઈંચ પાણી પડયું હતું અને તાલુકા કક્ષામાં સૌથી વધુ મીની ચેરાપુંજી ગણાતા પરડવામાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વાંસજાળિયામાં પોણા બે અને ધ્રાફામાં સવા ઈંચ તથા સમાણામાં એક ઈંચ અને શેઠવડાળા, જામવાડી, ધુનડામાં અડધો-અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે લાલપુરમાં સામાન્ય ઝાપટું પડયું હતું અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડપરમાં સવા ઈંચ અને ડબાસંગ, પડાણામાં એક-એક ઈંચ તથા ભણગોર, પીપરટોડામાં અડધો-અધડો ઈંચ અને મોટા ખડબામાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું. જામનગર જિલ્લામાં આજે બપોરે 12 વાગ્યા સુધીના વરસાદના આંકડાઓ મુજબ, કાલાવડમાં 274 મિ.મી., જામજોધપુરમાં 269 મિ.મી., જામનગરમાં 187 મિ.મી., જોડિયામાં 279 મિ.મી., ધ્રોલમાં 193 મિ.મી., લાલપુરમાં 140 મિ.મી. વરસાદ નોંધાયો છે.