Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં રવિવારે મેઘરાજાની લટાર

જામનગર શહેર-જિલ્લામાં રવિવારે મેઘરાજાની લટાર

જિલ્લાના તમામ તાલુકા વિસ્તારોમાં ઝાપટાથી માંડીને બે ઇંચ સુધીનો વરસાદ : સૌથી વધુ જામજોધપુરના ધ્રાફામાં વરસ્યો બે ઇંચ : કોરાધાકોડ રહેલાં જોડિયાને પણ 3 મી.મી. સાથે મેઘરાજાએ ભીંજવ્યું : જામનગર શહેરમાં રાત્રે ગાજયા મેહ વરસ્યા નહીં

- Advertisement -

જામનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી આવું…આવું… કરી રહેલાં મેઘરાજાએ ગઇકાલે રવિવારે રજાના દિવસે સમગ્ર જિલ્લામાં લટાર મારીને જાણે સ્થિતિનો તાગ મેળવ્યો હોય તેવી અનુભૂતિ કરાવી હતી. રવિવારે જામનગર શહેર સહિત જિલ્લાના તમામ છ તાલુકાઓને ઝાપટાથી માંડીને બે ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ જામજોધપુર અને લાલપુર તાલુકામાં વરસ્યો હતો. જામજોધપુરના ધ્રાફામાં ગાજવીજ સાથે ધોધમાર બે ઇંચ વરસાદ ખાબકયો હતો. જામનગર શહેરમાં પણ ગત રાત્રે મેઘરાજાએ ગાજવીજ સાથે હાજરી પુરાવી હતી.

- Advertisement -

અડધા સૌરાષ્ટ્રમાં પ્રવેશી ગયેલું ચોમાસું આગળ ધપવા માટે પ્રયાસ કરી રહયું છે. જેના ભાગરૂપે રવિવારે જામનગર જિલ્લામાં કયાંક ઝાપટાં તો કયાંક ધોધમાર સ્વરૂપે વરસાદ વરસ્યો હતો. રાહતની વાત એ હતી કે, મેઘરાજા ગઇકાલે જિલ્લાના તમામ તાલુકા વિસ્તારોમાં હાજરી પુરાવી હતી. ખાસ કરીને અત્યાર સુધી કોરાધાકોડ રહેલાં જોડિયાને પણ મેઘરાજા 3 મી.મી. સાથે પલાળી ગયા હતા. તાલુકા મથકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ લાલપુર તાલુકામાં 29 મી.મી. વરસ્યો હતો. જયારે જામજોધપુરમાં 18, જામનગરમાં 4, કાલાવાડ 6, ધ્રોલ ર અને જોડિયામાં 3 મી.મી. વરસાદ નોંધાયો હતો.

જયારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગામડાઓમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું. હવામાન વિભાગના ચોપડે હજુ જામનગર જિલ્લામાં સતાવાર રીતે ચોમાસું બેઠું નથી. એટલે આ વરસાદને ચોમાસા પહેલાંનો વરસાદ કહી શકાય. મેઘરાજા જામજોધપુર તાલુકા પર વિશેષ મહેરબાન હોય તેવું જણાઇ રહ્યું છે. તાલુકાના ધ્રાફામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે જામવાડી અને વાંસજાળિયામાં પોણો-પોણો ઇંચ પાણી વરસ્યું હતું. લાલપુર તાલુકાના મોટાખડબા અને મોડપરમાં પણ પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.

- Advertisement -

છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારાનો અનુભવ કરી રહેલાં જામનગરના શહેરીજનોને ગઇકાલે મોડી રાત્રે મેઘરાજાએ થોડી રાહત આપી હતી. રાત્રે 11 વાગ્યે આસપાસ વિજળીના કડાડા-ભડાકા અને ઠંડા પવનના સુસવાટા સાથે વરસાદનું એક જોરદાર ઝાપટું વરસ્યું હતું. જેણે શહેરના માર્ગોને પલાળવા સાથે શહેરીજનોના હૈયા પણ ભીંજવ્યા હતા. શહેરીજનોએ મોસમમાં પ્રથમ વખત વિજળીના કડાકા સાંભળ્યા હતા. લોકો આતુરતાપૂર્વક ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે.

નાંદુરીમાં વિજળીએ બે ભેંસનો ભોગ લીધો

- Advertisement -

જામનગર જિલ્લામાં રવિવારે સૌથી વધુ વરસાદ લાલપુર તાલુકામાં વરસ્યો હતો. આ વરસાદ સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વિજળીના કડાકા-ભડાકા થયા હતા. નાંદુરી ગામમાં વરસાદ દરમ્યાન આકાશી વિજળી ત્રાટકતાં બે ભેંસના મૃત્યુ થયા હતા. એક સાથે બબ્બે-બબ્બે ભેંસનો વિજળીએ ભોગ લેતાં ખેડૂત પરિવાર પર મુશ્કેલીઓ આવી પડી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular