ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન 10 ઇંચ વરસાદ ખાબકયો છે. જયારે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદને પગલે નદીનાળાંઓમાં પુર આવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતના પલસાણામાં 9, વ્યારામાં 8, બારડોલીમાં 7 જયારે સોનગઢમાં 6 ઇંચ જેવો ભારે વરસાદ ખાબકયો છે. છેલ્લા 24 કલાકમાં રાજયના કુલ 221 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દરમ્યાન હવામાન વિભાગે આજે રાજયના 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જયારે આવતીકાલે 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ આજ સવારથી વરસાદી માહોલ જામ્યો છે.
સુરતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા બે દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર મેઘમહેર જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો છે. સવારથી અત્યાર સુધીમાં વરાછામાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે રાત્રેથી સવારે 6 વાગ્યા સુધીમાં ઉધના-લિંબાયત વિસ્તારમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના કારણે ખાડીઓના લેવલ પણ ભયનજક નજીક પહોંચી ગયા છે. જ્યારે લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા છે. આ સાથે જ સણીયા હેમાદમાં મંદિર અડધા ડૂબી ગયા છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આજે 16 ઓગસ્ટે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે. 17 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સોમવારે વરસાદ શરૂ થયો હતો, જે આજે મંગળવારે પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 18 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ તાપીના વ્યારા અને ડોલવણમાં 5.76 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9.6 ઈંચ વરસાદ ખાબકતાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જો કે હજુ પણ મેઘાની મહેર અવિરત ચાલુ છે.જિલ્લાની હાથમતી, બુઢેલી નદીઓમાં અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યાં છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આજે મંગળવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભિલોડાના લીલછા, માકરોડા, ખલવાડ ,જુના ભવનાથ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયાં છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક છવાઈ છે. મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પણ સતત વરસાદ ચાલુ રહ્યો છે, જેમાં મંદિર પરિસર અને શામળાજીના બજારોમાં પાણી ભરાયાં છે. ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતાં હાથમતી અને બુઢેલી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. ઉપરાંત લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં પણ ઘોડાપુર આવતાં ત્રણેય નદીઓએ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જો કે ઘોડાપૂરને પગલે નદી કિનારાના 20થી વધુ ગામડાઓને સતર્ક કરાયા છે.અરવલ્લી જિલ્લામાં ખાબકયો 10 ઇંચ વરસાદ, નદીઓમાં ઘોડાપૂર : દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં પણ સટાસટી : આજે જામનગર સહિત રાજયના 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, અતિ ભારે વરસાદની આગાહી